HomeGujaratAmbaji Fair 2026: અંબાજી-ગબ્બરમાં ભક્તોનો મહાસાગર, બે દિવસમાં 8.63 લાખ ભક્તોએ કર્યા...

Ambaji Fair 2026: અંબાજી-ગબ્બરમાં ભક્તોનો મહાસાગર, બે દિવસમાં 8.63 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન

Ambaji Fair 2026: બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના રંગે રંગાયો છે. 20 સપ્ટેમ્બરથી શરૂ થયેલો મહામેળો આજે 22 સપ્ટેમ્બરે ત્રીજા દિવસમાં પ્રવેશ્યો છે. અંબાજી અને ગબ્બર તરફ જતા માર્ગો પર મોટી સંખ્યામાં માઈભક્તો જોવા મળી રહ્યા છે. ચારેય તરફ **‘બોલ માડી અંબે, જય જય અંબે’**ના નાદથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો છે.

Ambaji Fair 2026: બે દિવસમાં 8.63 લાખ ભક્તોએ કર્યા દર્શન

Ambaji Fair 2026

મેળાના પ્રથમ બે દિવસમાં જ લાખો ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. મળેલી માહિતી પ્રમાણે પ્રથમ દિવસે 4.37 લાખ અને બીજા દિવસે 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. આમ બે દિવસમાં કુલ 8,63,477 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું છે.

Ambaji Fair 2026

આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને માઈભક્તો અંબાજી પહોંચે તેવી શક્યતા છે.

Ambaji Fair 2026: ડ્રોન વીડિયોમાં ભક્તિનો અદભૂત નજારો

Ambaji Fair 2026

અંબાજી અને ગબ્બરનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે, જેમાં ભક્તોની વિશાળ ભીડનો નજારો જોવા મળી રહ્યો છે. ગબ્બરના પગથિયાં પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે. રાત્રિના સમયે અંબાજી અને ગબ્બર રોશનીથી ઝગમગી ઊઠે છે, જ્યારે ભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.

પદયાત્રીઓના હાથમાં ધજા અને હોઠ પર મા અંબાનું નામ જોવા મળી રહ્યું છે. પરિવાર સાથે આવતા ભક્તોમાં બાળકો, મહિલાઓ અને વડીલો પણ મોટી સંખ્યામાં સામેલ છે.

Ambaji Fair 2026

Ambaji Fair 2026: દર્શનપથ પર પ્રથમ વખત વિશાળ હોલ્ડિંગ એરિયા

Ambaji Fair 2026

મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા પ્રશાસન અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભક્તોને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવું ન પડે તે માટે દર્શનપથ પર 60×80 મીટરનો વિશાળ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. ભીડ નિયંત્રણ માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ દરમિયાન 25થી વધુ સ્થળોએ ભીડ વધતા AI સિસ્ટમ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ મળ્યા હતા અને સંબંધિત સ્થળોએ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

Ambaji Fair 2026: અનેક શહેરોમાંથી પદયાત્રા કરી રહ્યા છે ભક્તો

Ambaji Fair 2026

રાજકોટ, અમદાવાદ, મહેસાણા, દાહોદ, સુરત અને ઉદયપુર સહિતના અનેક વિસ્તારોમાંથી પદયાત્રા અને સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. ઢોલ-નગારાના તાલ સાથે ભક્તો પગપાળા યાત્રા કરી રહ્યા છે.

કેટલાક સંઘોમાં બાળકો પણ જોડાયા છે, જ્યારે મહિલાઓ અને વડીલો પણ ઉત્સાહપૂર્વક યાત્રા કરી રહ્યા છે. રસ્તાઓ પર ભક્તોના હાથમાં ધજા અને મોઢે ‘જય અંબે’નો જયઘોષ જોવા મળી રહ્યો છે.

Ambaji Fair 2026: મેળામાં ત્રણ મહત્વના ફેરફાર

Ambaji Fair 2026

આ વખતે મેળામાં વ્યવસ્થાને લઈને કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.

  • ધજા ચઢાવવા માટે ફરજિયાત પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. શિખર પર પાંચ મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં અને એક પાસમાં ત્રણ વ્યક્તિ જઈ શકશે.
  • પાલનપુર, સતલાસણા, હડાદ, આબુરોડ અને વિરમપુર તરફના માર્ગો પર ભક્તો માટે 500 વૈકલ્પિક શૌચાલય ઊભાં કરવામાં આવ્યા છે.
  • સેવા કેમ્પોમાંથી નીકળતા એંઠવાડને એકત્ર કરવા ખાસ ટીમો બનાવવામાં આવી છે. એકત્રિત એંઠવાડમાંથી ખાતર બનાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

Ambaji Fair 2026: ભક્તોની સુરક્ષા માટે 5 હજાર પોલીસ જવાનો તૈનાત

Ambaji Fair 2026

મેળામાં ભક્તોની સુરક્ષા માટે 5 હજાર પોલીસ જવાનો બે શિફ્ટમાં 24 કલાક તૈનાત રહેશે. ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભક્તોની સુરક્ષા માટે ₹10 કરોડનું અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યું છે. અકસ્માતની સ્થિતિમાં તાત્કાલિક ₹2 લાખની સહાય આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Ambaji Fair 2026: મંદિરના ભંડારામાં પણ લાખોની આવક

Ambaji Fair 2026

મેળાના પ્રથમ બે દિવસમાં અંબાજી મંદિરના ભંડાર કાઉન્ટર પરથી મોટી આવક નોંધાઈ છે. મળેલી માહિતી પ્રમાણે બે દિવસમાં ₹57,49,121ની આવક થઈ છે. જેમાં મેળાના પ્રથમ દિવસે જ ભંડારામાં ₹32.89 લાખની આવક નોંધાઈ હતી.

ભાદરવી પૂનમ સુધી હજુ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચવાના હોવાથી આગામી દિવસોમાં પણ યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે તેવી શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: એશિયન ગેમ્સ-2026માં ભારતને પહેલો ગોલ્ડ, મહિલા ક્રિકેટ ટીમે સતત બીજી વખત જીત્યું સોનું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments