HomeSuratDiwali and Chhath Festival Rush: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો મહાસાગર,...

Diwali and Chhath Festival Rush: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો મહાસાગર, બે દિવસમાં 60 હજાર લોકો વતન રવાના

Diwali and Chhath Festival Rush: દિવાળી અને છઠ પૂજાના તહેવારોને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા નીકળેલા મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધતાં સ્ટેશન પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. શનિવારથી જ સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં મુસાફરોની એટલી મોટી ભીડ એકત્ર થઈ હતી કે પગ મૂકવાની પણ જગ્યા રહી નહોતી. જોકે, પશ્ચિમ રેલવે પ્રશાસન દ્વારા અગાઉથી કરવામાં આવેલી તૈયારીઓ અને વ્યવસ્થિત આયોજનને કારણે આટલી મોટી ભીડ છતાં કોઈ મોટી અવ્યવસ્થા કે નાસભાગની ઘટના બની નહોતી. રેલવે દ્વારા મુસાફરોને તેમના વતન પહોંચાડવા માટે નિયમિત ટ્રેનો ઉપરાંત વિશેષ ટ્રેનો પણ દોડાવવામાં આવી હતી.

Diwali and Chhath Festival Rush

Diwali and Chhath Festival Rush: બે દિવસમાં 60 હજાર મુસાફરો વતન રવાના

પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) પંકજસિંહના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવારને કારણે શુક્રવારથી જ મુસાફરોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. પગાર મળવા અને શાળાઓમાં વેકેશન શરૂ થવાને કારણે મોટી સંખ્યામાં લોકો એકસાથે વતન જવા માટે સ્ટેશન પર પહોંચ્યા હતા. શુક્રવારે 6થી 7 સ્પેશિયલ ટ્રેનો અને નિયમિત ટ્રેનો દ્વારા અંદાજે 30થી 35 હજાર મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા. અગાઉ શનિવાર અને રવિવાર દરમિયાન સરેરાશ 15 હજાર મુસાફરોની અવરજવર નોંધાતી હતી. ત્યારબાદ આ આંકડો વધીને 25 હજાર અને ગયા વર્ષે આશરે 35 હજાર સુધી પહોંચ્યો હતો. જોકે, આ વર્ષે મુસાફરોની સંખ્યાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર શનિ-રવિ દરમિયાન જ અંદાજે 50થી 60 હજાર મુસાફરોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે.

Diwali and Chhath Festival Rush

Diwali and Chhath Festival Rush: દર બે કલાકે સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ

સ્ટેશન પર મુસાફરોને લાંબો સમય રાહ જોવી ન પડે અને ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે રેલવે પ્રશાસને સતત ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું હતું. શનિવારે વહેલી સવારે 5:30 વાગ્યાથી ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે 8:30 અને 10:10 વાગ્યે તાપ્તી ગંગા એક્સપ્રેસ સહિતની ટ્રેનો દોડાવવામાં આવી હતી. સવારે 11:30 અને બપોરે 1 વાગ્યે પણ મુસાફરોને વતન પહોંચાડવા માટે ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવસ દરમિયાન ભીડ ઓછી થવાને બદલે સાંજ અને રાત્રિના સમયે વધુ વધતાં રેલવે દ્વારા રાત્રે 10 વાગ્યાથી લઈને મોડી રાત અને વહેલી સવાર સુધી સતત ટ્રેનો દોડાવવામાં આવી હતી. રાત્રે 11:30, 1:30, સવારે 3, 5, 7 અને 8 વાગ્યે પણ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. અંત્યોદય એક્સપ્રેસ, તાપ્તી ગંગા અને જયનગર સ્પેશિયલ જેવી ટ્રેનો દ્વારા મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

Diwali and Chhath Festival Rush

Diwali and Chhath Festival Rush: 15 કલાકમાં 12 ટ્રેનોનું સફળ સંચાલન

ઉધના રેલવે સ્ટેશન પર ભીડનું સંચાલન કરવા માટે રેલવે તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની મહત્વપૂર્ણ બાબત એ રહી કે 7 અને 8 નવેમ્બર દરમિયાન માત્ર 15 કલાકના ટૂંકા ગાળામાં કુલ 12 ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનોમાં 9 સ્પેશિયલ અને 3 નિયમિત ટ્રેનોનો સમાવેશ થતો હતો. આ સમયગાળા દરમિયાન અંદાજે 43,500થી 43,800 મુસાફરોની અવરજવરનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું હતું. જયનગર, મધુબની, કાનપુર અને બ્રહ્મપુર જેવા ઉત્તર તથા પૂર્વ ભારતના મુખ્ય રૂટ પર જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પ્લેટફોર્મ નંબર 6 સહિત અન્ય પ્લેટફોર્મ પર પણ યોગ્ય સંકલન અને આયોજન સાથે કામગીરી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસાફરો હોવા છતાં ટ્રેનોમાં ચઢવા અને ઉતરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવવામાં આવી હતી.

Diwali and Chhath Festival Rush

Diwali and Chhath Festival Rush: 15 હજાર ચોરસ મીટરના ત્રણ સુવિધા કેન્દ્રો તૈયાર

રાત્રિના સમયે અચાનક વધતી ભીડને નિયંત્રિત કરવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ત્રણ વિશાળ યાત્રી સુવિધા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ ત્રણેય કેન્દ્રો આશરે 14થી 15 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા છે. તેમાં પ્રથમ કેન્દ્ર આશરે 6,500 ચોરસ મીટરનું છે, જ્યારે બીજા અને ત્રીજા કેન્દ્રનું ક્ષેત્રફળ અનુક્રમે 2,500 અને 3,500 ચોરસ મીટર છે. આ કેન્દ્રોમાં મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણી, વીજળી, પંખા, શૌચાલય, વધારાની ટિકિટ બારીઓ અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રો બફર ઝોન તરીકે કાર્ય કરે છે. મુસાફરોને પહેલાં આ કેન્દ્રોમાં બેસાડવામાં આવે છે અને ટ્રેન સ્ટેશન પર પહોંચ્યા બાદ તેમને ક્રમબદ્ધ રીતે લાઈનમાં ઊભા રાખીને કોચ સુધી પહોંચાડવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે પ્લેટફોર્મ પર એકસાથે મોટી સંખ્યામાં મુસાફરો એકત્ર થતા અટકાવવામાં મદદ મળી છે.

Diwali and Chhath Festival Rush: મુસાફરોએ પણ વ્યવસ્થાની કરી પ્રશંસા

ભારે ભીડ વચ્ચે મુસાફરોને પડતી મુશ્કેલીઓ છતાં રેલવે દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને ઘણા મુસાફરોએ આવકારી હતી. બિહાર જઈ રહેલા મુસાફર મુન્ના કુમાર સિંહે જણાવ્યું હતું કે, જયનગર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હોવા છતાં રેલવે પ્રશાસનના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો અને ધક્કામુક્કી વિના લાઈનસર રીતે બોગીમાં બેસાડવામાં આવ્યા હતા. બીજી તરફ, પરિવાર સાથે અંત્યોદય એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલાં નીલમ દેવીએ જણાવ્યું હતું કે તેમને થોડો સમય લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું, પરંતુ વેટિંગ એરિયામાં પંખા અને પીવાના પાણીની સારી વ્યવસ્થા હતી. રેલવે કર્મચારીઓની હાજરીને કારણે નાસભાગ જેવો માહોલ સર્જાયો નહોતો અને પરિવારને આરામથી ટ્રેનમાં બેસવાની જગ્યા મળી હતી.

દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન સુરતમાંથી ઉત્તર અને પૂર્વ ભારત તરફ જતા મુસાફરોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા વિશેષ ટ્રેનો અને મુસાફરોની સુવિધા માટેની વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ વર્ષે મુસાફરોની સંખ્યાએ અગાઉના રેકોર્ડ તોડ્યા હોવા છતાં આયોજનબદ્ધ વ્યવસ્થાને કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભીડનું સંચાલન કરવામાં સફળતા મળી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે અર્જુન રાજપૂતની ધમાકેદાર સદી: 107 રન બનાવીને આઉટ, ભારતનો સ્કોર 183/8

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments