Gujarat High Court: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગાયિકા કિંજલ રબારીના અપહરણના આક્ષેપોને લઈને ચાલી રહેલા મામલામાં નવો વળાંક આવ્યો છે. કિંજલ રબારી હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પતિ અશોક ચૌધરી સાથે હાજર થઈ હતી. કોર્ટ સમક્ષ કિંજલે પોતે સ્વેચ્છાએ પતિ સાથે રહેતી હોવાનું જણાવ્યું છે.
Gujarat High Court: “કોઈએ મારું અપહરણ નથી કર્યું”

હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે કિંજલ રબારીને સીધો સવાલ કર્યો કે શું તે પોતાની મરજીથી પતિ સાથે રહે છે? તેના જવાબમાં કિંજલે “હા, મારી મરજીથી રહું છું” તેમ જણાવ્યું હતું.
કોર્ટે વધુ પૂછ્યું કે તમને કોઈએ કીડનેપ તો નથી કર્યા ને? જેના જવાબમાં કિંજલે “ના, કોઈએ કીડનેપ નથી કર્યા” તેમ જણાવ્યું હતું.
કિંજલના વકીલના જણાવ્યા અનુસાર, કિંજલની ઉંમર 24 વર્ષ છે અને તે પોતાની ઇચ્છાથી પતિ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે.
Gujarat High Court: પરિવારના દબાણ અંગે કિંજલનું નિવેદન
કિંજલે કોર્ટ સમક્ષ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે અગાઉ પણ તેના મામલે હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી. તે સમયે પરિવારના દબાણના કારણે તેણે પતિ અશોક ચૌધરી સાથે જવાની ના પાડી હતી અને પરિવાર સાથે રહી હતી.
હાલની સુનાવણીમાં કિંજલે પોતાની મરજી અંગે સ્પષ્ટતા કરી છે અને પતિ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
Gujarat High Court: ચાંદખેડા પોલીસની FIR પર હાઇકોર્ટનો સ્ટે

આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણની ફરિયાદ સામે હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. FIRના આધારે આગળની કાર્યવાહી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ફરિયાદી અને પોલીસ સહિત સંબંધિત પક્ષકારોને કોર્ટે ફોર્મલ નોટિસ પણ આપી છે.
કોર્ટે સાથે એવું પણ નોંધ્યું છે કે કિંજલ અને પતિ અશોક ચૌધરી બંનેને જીવનું જોખમ હોવાની આશંકા છે. તેથી પોલીસ કમિશનરને બંનેના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે.
આ કેસમાં હવે આગામી સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ વધુ દલીલો અને રજૂઆતો થશે. કિંજલ રબારીના નિવેદન અને હાઇકોર્ટના વચગાળાના આદેશ બાદ સમગ્ર મામલો વધુ મહત્વનો બન્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ક્રૂડનો ‘સેન્ચુરી’ ફટકો: ભારતના અર્થતંત્ર પર મોંઘવારીનું સંકટ

