Ahmedabad: ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ નો દિવસ અમદાવાદ માટે માત્ર સ્વાતંત્ર્ય દિવસ નહોતો, પરંતુ વર્ષોની આઝાદીની લડત બાદ સાકાર થયેલા સપનાની ઐતિહાસિક ક્ષણ હતી. શહેરભરમાં આ ઉજવણી ૧૪ ઓગસ્ટથી જ શરૂ થઈ ગઈ હતી. શહેરના પોળ વિસ્તારોમાં સાયકલ રેલીઓ, ઈદગાહ નજીક મશાલ રેલી અને કાલુપુર સહિતના વિસ્તારોમાંથી સરઘસ નીકળ્યા હતા, જ્યારે બજારો અને જાહેર સ્થળો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા.
Ahmedabad: મધ્યરાત્રિએ ભદ્રમાં આતશબાજી અને રોશની:

રાત્રે ભદ્ર કિલ્લા આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા લાગ્યા હતા. ત્રિરંગાની પૃષ્ઠભૂમિમાં મહાત્મા ગાંધીનું વિશાળ ચિત્ર મૂકવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ દેશ આઝાદ થતાં જ આતશબાજી શરૂ થઈ અને સમગ્ર વિસ્તારમાં આઝાદીના નારા ગુંજી ઉઠ્યા હતા. શરણાઈના સૂર અને મંદિરોના ઘંટનાદ વચ્ચે લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી અને મીઠાઈ વહેંચી હતી.
Ahmedabad: પ્રભાતફેરીઓ અને લાલ દરવાજા મેદાન પર ત્રિરંગા વંદન:
આખી રાતના ઉત્સવ છતાં અમદાવાદ સૂતું નહોતું. ૧૫ ઓગસ્ટની વહેલી સવારે લગભગ ૪:૩૦ વાગ્યાથી કોટા વિસ્તારની વિવિધ પોળોમાંથી પ્રભાતફેરીઓ નીકળી હતી, જેમાં હાથમાં ત્રિરંગા લઈને લોકો દેશભક્તિના ગીતો ગાતા રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. સ્વાતંત્ર્યની પહેલી સવારનું સૌથી ભવ્ય દ્રશ્ય લાલ દરવાજા મેદાનમાં સર્જાયું હતું, જ્યાં એક લાખથી વધુ લોકો એકત્ર થયા હતા. સવારે લગભગ ૮:૩૦ વાગ્યે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ ગુલામ રસૂલ કુરેશીએ ત્રિરંગો ફરકાવ્યો હતો. ધ્વજ ફરકતાં જ ‘વંદે માતરમ્’, ‘ઝંડા ઊંચા રહે હમારા’ અને ‘ભારત માતા કી જય’ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
આ પ્રકારે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ની પહેલી સવાર અમદાવાદના ઇતિહાસમાં સ્વાતંત્ર્ય, ઉત્સાહ અને જનભાગીદારીની અવિસ્મરણીય ક્ષણ બની ગઈ.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શીલજની સ્કૂલમાં બજરંગ દળનો વિરોધ, તાળા તોડી પરિસરમાં પ્રવેશ

