HomeAhmedabadGMDC Navratri 2026: GMDCની વાઇબ્રન્ટ નવરાત્રિમાં આ વર્ષે ફ્રી એન્ટ્રી નહીં, બીજા...

GMDC Navratri 2026: GMDCની વાઇબ્રન્ટ નવરાત્રિમાં આ વર્ષે ફ્રી એન્ટ્રી નહીં, બીજા નોરતાથી ટિકિટ લાગુ, ₹100થી ₹3,000 સુધીના પાસ

GMDC Navratri 2026: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત થતી જાણીતી વાઇબ્રન્ટ નવરાત્રિ આ વર્ષે નવી ટિકિટિંગ વ્યવસ્થા સાથે યોજાવાની છે. અત્યાર સુધી સામાન્ય લોકો માટે આ મહોત્સવમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે પહેલા નોરતા સિવાય બીજા નોરતાથી નવમા નોરતા સુધી પ્રવેશ માટે પાસ લેવાનો રહેશે. ટિકિટ બુકિંગની વ્યવસ્થા ઓનલાઈન શરૂ કરવામાં આવી છે.

નવી વ્યવસ્થા અનુસાર GMDC ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે બે કેટેગરી બનાવવામાં આવી છે. જેમાં સામાન્ય ખેલૈયાઓ માટે ‘સેલિબ્રેશન ઝોન’ અને સ્ટેજની નજીક વિશેષ સુવિધાઓ ધરાવતા વિસ્તાર માટે ‘પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન’ નક્કી કરવામાં આવ્યા છે.

GMDC Navratri 2026

GMDC Navratri 2026: બીજા નોરતાથી ટિકિટના દર લાગુ

ટિકિટિંગ વ્યવસ્થા મુજબ પહેલા નોરતાના દિવસે તમામ લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. ત્યારબાદ બીજા નોરતાથી પાંચમા નોરતા સુધી ‘સેલિબ્રેશન ઝોન’ માટે પ્રતિ વ્યક્તિ ₹100નો ચાર્જ રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ગ્રુપ બુકિંગ માટે ₹300થી ₹600 સુધીના પાસ ઉપલબ્ધ રહેશે.

છઠ્ઠા નોરતાથી નવમા નોરતા સુધી સેલિબ્રેશન ઝોનમાં પ્રતિ વ્યક્તિ ₹250 ચૂકવવાના રહેશે. જ્યારે ગ્રુપ બુકિંગ માટે ₹750થી ₹1,500 સુધીના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

બીજી તરફ ‘પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન’માં બીજા નોરતાથી પાંચમા નોરતા સુધી પ્રતિ વ્યક્તિ ₹200નો ચાર્જ રહેશે. આ ઝોનના ગ્રુપ પાસ ₹600થી ₹1,200 સુધીના રહેશે. જ્યારે છઠ્ઠા નોરતાથી નવમા નોરતા સુધી પ્રીમિયમ ઝોન માટે પ્રતિ વ્યક્તિ ₹500 અને ગ્રુપ બુકિંગ માટે ₹1,500થી ₹3,000 સુધીના પાસ રાખવામાં આવ્યા છે.

GMDC Navratri 2026

GMDC Navratri 2026: ટિકિટિંગ અંગે પ્રવાસન વિભાગ પાસેથી સ્પષ્ટતા મળી નથી

વાઇબ્રન્ટ નવરાત્રિમાં આ વર્ષે ટિકિટ શા માટે લાગુ કરવામાં આવી છે અને આ નિર્ણય પાછળનું કારણ શું છે તે અંગે ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી સ્પષ્ટતા મળી શકી નથી. આ મામલે ટુરિઝમ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર વિપિન ગર્ગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે શરૂઆતમાં પોતે મીટિંગમાં હોવાનું જણાવી બાદમાં જવાબ આપવાની વાત કરી હતી. જોકે, આશરે એક કલાક બાદ ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમનો ફોન રિસીવ થયો નહોતો.

GMDC Navratri 2026: 2003થી વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન

GMDC ખાતે યોજાતી વાઇબ્રન્ટ નવરાત્રિ ગુજરાતની લોકસંસ્કૃતિ અને ગરબાને વ્યાપક સ્તરે રજૂ કરતું આયોજન છે. વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સાથે સંકળાયેલા આયોજનના ભાગરૂપે આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. સમય જતાં આ આયોજન ગુજરાતની નવરાત્રિ સાથે જોડાયેલા મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે ઓળખાયું છે.

અત્યાર સુધી GMDC ખાતે સામાન્ય લોકો માટે નિઃશુલ્ક ગરબા રમવાની તક મળતી હતી. આ કારણે અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીઓ, સામાન્ય પરિવારો અને મધ્યમ વર્ગના લોકો પણ મોટી સંખ્યામાં અહીં ગરબા રમવા આવતા હતા. હવે ટિકિટિંગ વ્યવસ્થા લાગુ થતાં આ વર્ગોમાંથી કેટલાક લોકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

GMDC Navratri 2026: વિદ્યાર્થીઓમાં ટિકિટને લઈને નારાજગી

ખેલૈયા વિજય રાઠોડના જણાવ્યા મુજબ, GMDC ખાતે દર વર્ષે સરકાર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આસપાસ મોટી સંખ્યામાં હોસ્ટેલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ પણ અહીં ગરબા રમવા આવે છે. તેમના મતે અગાઉની જેમ આ વર્ષે પણ પ્રવેશ નિઃશુલ્ક રાખવો જોઈએ.

વિદ્યાર્થી કમલેશ પરમારે જણાવ્યું કે GMDCની આસપાસની હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નવરાત્રિ દરમિયાન ગરબા રમવા આવે છે. વિદ્યાર્થીઓ પહેલેથી જ અમદાવાદમાં રહેવા અને અભ્યાસનો ખર્ચ કરે છે ત્યારે ₹100થી ₹3,000 સુધીના પાસનો વધારાનો ખર્ચ તેમના બજેટ પર અસર કરી શકે છે. તેમના મતે માતાજીની આરાધના અને ગરબા માટે વિદ્યાર્થીઓને વધુ ખર્ચ ન કરવો પડે તે માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવો જોઈએ.

વિદ્યાર્થી વિક્રમસિંહ ગોહિલે પણ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો તથા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ટિકિટ ચાર્જ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ GMDC એવા લોકો માટેનું સ્થળ રહ્યું છે જ્યાં તેઓ ઓછા ખર્ચે ગરબાનો આનંદ લઈ શકતા હતા.

GMDC Navratri 2026: સવારે 4 વાગ્યા સુધી ગરબાની રમઝટ

આ વર્ષે GMDC ખાતે ગરબાના કાર્યક્રમનો સમય પણ લાંબો રાખવામાં આવ્યો છે. નિર્ધારિત સમયપત્રક મુજબ સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પરંપરાગત અને અર્વાચીન ગરબાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ખેલૈયાઓ દેશી ઢોલના તાલે પ્રાચીન શૈલીના ‘મંડળી ગરબા’નો આનંદ માણી શકશે.

GMDC Navratri 2026: કોંગ્રેસે પણ ટિકિટિંગ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ GMDCની ટિકિટિંગ વ્યવસ્થાને લઈને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ખાનગી પાર્ટી પ્લોટમાં ગરબાનું વેપારીકરણ થઈ રહ્યું છે અને હવે સરકારી આયોજનમાં પણ ટિકિટિંગ વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે GMDCના પાસ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાઈ રહ્યા છે અને ₹100થી ₹3,000 સુધીના પાસ રાખવામાં આવ્યા છે. તેમના મતે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે વધારાનો આર્થિક બોજ ઊભો થઈ શકે છે.

આમ, એક તરફ GMDC ખાતે લાંબા સમય સુધી ચાલનારા ગરબા, મંડળી ગરબા અને વિવિધ ઝોન સાથેનું આયોજન આકર્ષણનું કેન્દ્ર બનશે, તો બીજી તરફ વર્ષોથી નિઃશુલ્ક રહેલી પ્રવેશ વ્યવસ્થામાં થયેલા ફેરફારને કારણે ટિકિટના દર અને તેના કારણો અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે પ્રવાસન વિભાગ દ્વારા આ નવી વ્યવસ્થા અંગે સત્તાવાર કારણ અને વધુ વિગતો આપવામાં આવે છે કે કેમ તેના પર નજર રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 11નાં મોત, 30 ઘાયલ; TTPએ જવાબદારી સ્વીકારી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments