UPI Charges Above ₹2,000: ₹2,000થી વધુની ચોક્કસ UPI મર્ચન્ટ પેમેન્ટ પર 0.4% Merchant Discount Rate (MDR) લાગુ કરવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટે હાલ રોકવાનો ઇનકાર કર્યો છે. જોકે, ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કેન્દ્ર સરકાર, RBI અને NPCIને નોટિસ પાઠવીને નવા ચાર્જના કાયદાકીય આધાર અંગે જવાબ માંગ્યો છે.
નવો MDR નિયમ 15 ઓક્ટોબર 2026થી અમલમાં આવવાનો છે. સામાન્ય P2M UPI ટ્રાન્ઝેક્શનમાં ₹2,000થી વધુની ચુકવણી પર 0.4% MDR લાગશે, જ્યારે ₹75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે MDR મહત્તમ ₹300 સુધી મર્યાદિત રહેશે.
સામાન્ય લોકોના P2P પેમેન્ટ પર ચાર્જ નહીં

મહત્વની વાત એ છે કે વ્યક્તિથી વ્યક્તિ એટલે કે P2P UPI ટ્રાન્સફર સંપૂર્ણપણે મફત રહેશે. ₹2,000 સુધીના મર્ચન્ટ પેમેન્ટ પણ MDRથી મુક્ત રહેશે. સરકારના જણાવ્યા મુજબ નાના વેપારીઓ માટેની છૂટ સહિત આશરે 96% P2M ટ્રાન્ઝેક્શન પર આ નવા MDRની અસર નહીં પડે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે MDR સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ નથી. આ ફી પેમેન્ટ ઇકોસિસ્ટમમાં સામેલ બેંકો અને પેમેન્ટ એપ પ્રોવાઇડર્સ સહિતના ભાગીદારો વચ્ચે વહેંચાય છે.
સુપ્રીમ કોર્ટમાં PIL દ્વારા પડકાર

વકીલ અંજન દત્તાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરીને નવા MDR નિયમને પડકાર્યો છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ચાર્જ લાગુ કરવા માટે પૂરતી કાયદાકીય સુરક્ષા, પારદર્શિતા અને જાહેર પરામર્શનો અભાવ છે. અરજીમાં Payment and Settlement Systems Act, 2007 હેઠળના કાયદાકીય આધાર અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
હાલ સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો નથી. કોર્ટ દ્વારા માત્ર વચગાળાની રોક આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને સંબંધિત પક્ષો પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. તેથી 15 ઓક્ટોબરથી નિયમ લાગુ થવાનો પ્રસ્તાવ હાલ યથાવત્ છે, પરંતુ તેની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલુ રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મહેસાણામાં યુવકને પોલીસે બચાવ્યો, મહિલા હેડ કોન્સ્ટેબલે એક કલાક સુધી સમજાવ્યો

