Education Revolution in Vadodara: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે વડોદરા શહેર એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. દેશની નવી શિક્ષણ નીતિ (National Education Policy – NEP)ના અસરકારક અમલીકરણ માટે વડોદરા હવે આખા રાજ્ય માટે ‘રોલ મોડેલ’ બનશે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અટલાદરા ખાતે આવેલી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી શાળા અને કવિ પ્રેમાનંદ સ્કૂલનું નવનિર્માણ કરીને અંદાજે ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યની સૌપ્રથમ ‘કોન્સેપ્ટ સ્કૂલ’ (Concept School) તૈયાર કરવામાં આવશે. આ અદ્યતન પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી શાળાઓને ખાનગી શાળાઓ સમકક્ષ લાવીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શ્રેષ્ઠ વૈશ્વિક શિક્ષણ આપવાનો છે.

Education Revolution in Vadodara: એક જ છત્ર નીચે KG થી ૧૨ સુધીનો અભ્યાસ અને ત્રિભાષી માધ્યમ
આ પ્રથમ કોન્સેપ્ટ સ્કૂલની સૌથી મોટી વિશેષતા એ હશે કે અહીં બાળમંદિર (KG)થી લઈને ધોરણ ૧૨ સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. સામાન્ય રીતે સરકારી શાળાઓમાં માધ્યમની મર્યાદા હોય છે, પરંતુ આ હાઇટેક શાળામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય માધ્યમ એક જ કેમ્પસમાં ઉપલબ્ધ રહેશે. આનાથી વાલીઓને પોતાના બાળકોના માધ્યમની પસંદગી માટે ભટકવું નહીં પડે.

Education Revolution in Vadodara: AI, રોબોટિક્સ અને સ્માર્ટ સુવિધાઓથી સજ્જ કેમ્પસ
ખાનગી શાળાઓની તોતિંગ ફી વસૂલતી સંસ્થાઓને ટક્કર આપે તેવી આધુનિક સુવિધાઓ આ સરકારી કોન્સેપ્ટ સ્કૂલમાં ગણતરીના ખર્ચે અથવા નિઃશુલ્ક મળશે:
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સ લેબ: વિદ્યાર્થીઓ પ્રાથમિક સ્તરથી જ ભવિષ્યની ટેકનોલોજી શીખી શકશે.
- સ્માર્ટ લાઈબ્રેરી અને ડિજિટલ ક્લાસરૂમ: પરંપરાગત શિક્ષણના બદલે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે.
- ગ્રીન એનર્જી: સમગ્ર શાળાના વીજ વપરાશને પહોંચી વળવા માટે વિશાળ ‘સોલાર પાવર સિસ્ટમ’ ઇન્સ્ટોલ કરવામાં આવશે.
Education Revolution in Vadodara: વડોદરાની તમામ ૧૨૬ સરકારી શાળાઓને બદલવાનું લક્ષ્ય
શિક્ષણ સમિતિ આ પ્રોજેક્ટને માત્ર એક શાળા પૂરતો મર્યાદિત રાખવા માંગતી નથી. અટલાદરાની આ પાયલોટ સ્કૂલ સફળ થયા બાદ, આગામી સમયમાં વડોદરા શહેરની તમામ ૧૨૬ સરકારી પ્રાથમિક શાળાઓને તબક્કાવાર રીતે ‘કોન્સેપ્ટ સ્કૂલ’માં ફેરવવાનું ભગીરથ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આનાથી વડોદરાના હજારો બાળકોના સર્વાંગી વિકાસને નવી પાંખો મળશે.
Education Revolution in Vadodara: ડૉ. વિપુલ ભરતિયા (શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ)નું નિવેદન: “નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત વડોદરાને એજ્યુકેશન હબ અને મોડેલ સ્ટેટ બનાવવાની દિશામાં આ અમારું મોટું કદમ છે. ₹૧૫ કરોડના ખર્ચે બનનારી આ રાજ્યની પ્રથમ કોન્સેપ્ટ સ્કૂલ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જ નહીં, પણ ગુણવત્તાયુક્ત શિક્ષણની બાબતમાં પણ ખાનગી શાળાઓને જોરદાર ટક્કર આપશે. અમારો હેતુ દરેક બાળકને આધુનિક ટેકનોલોજી જેમ કે AI અને રોબોટિક્સ સાથે જોડવાનો છે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




