Tragedy in Deesa: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક અત્યંત આઘાતજનક અને સ્તબ્ધ કરી દેનારી ઘટના સામે આવી છે. ડીસાના એક આઈસ્ક્રીમ પાર્લરમાં આઈસ્ક્રીમ ખાઈ રહેલા ૪૩ વર્ષીય પ્રોઢનું અચાનક હાર્ટ એટેક આવવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તબીબી સહાય મળે તે પહેલાં માત્ર ગણતરીની સેકન્ડોમાં જ યુવકે દમ તોડી દીધો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ જોઈને કોઈપણ ધ્રુજી ઊઠે તેમ છે.

Tragedy in Deesa: આરામથી બેઠા હતા અને અચાનક કાળ આંબી ગયો
મળતી માહિતી મુજબ, ડીસાના સ્થાનિક રહીશ રમેશ લોધા (ઉંમર ૪૩ વર્ષ) નામના યુવક ડીસાના એક આઈસ્ક્રીમ પાર્લરમાં આઈસ્ક્રીમ ખાવા માટે ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે તેઓ દુકાનમાં મૂકેલી ખુરશી પર ખૂબ જ આરામથી બેસીને આઈસ્ક્રીમની મજા માણી રહ્યા હતા અને એકદમ સામાન્ય દેખાતા હતા. પરંતુ આ દરમિયાન જ કાળ તેમને આંબી ગયો હતો.

Tragedy in Deesa: ખુરશી પરથી સીધા જમીન પર ઢળી પડ્યા
આઇસક્રીમ ખાતી વખતે જ રમેશભાઈને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો અને ભારે અસ્વસ્થતા અનુભવાઈ હતી. તેઓ કંઈ સમજે, પોતાની જાતને સંભાળે કે આસપાસના લોકોને મદદ માટે બૂમ પાડે તે પહેલાં જ, માત્ર ગણતરીની સેકન્ડોમાં તેઓ ખુરશી પરથી સીધા જમીન પર ઢળી પડ્યા હતા.
Tragedy in Deesa: સારવારનો સમય પણ ન મળ્યો, લોકો સ્તબ્ધ
આ દ્રશ્ય જોઈને પાર્લરના કર્મચારીઓ અને આસપાસ ઉભેલા લોકો તાત્કાલિક તેમની તરફ દોડ્યા હતા. જો કે, આ સાયલન્ટ એટેક એટલો પ્રચંડ હતો કે લોકોને તેમને હોસ્પિટલ પહોંચાડવાનો કે કોઈ તબીબી સહાય આપવાનો સમય પણ મળ્યો નહોતો. રમેશભાઈએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.
Tragedy in Deesa: સમગ્ર પંથકમાં શોકનું મોજું:
હસતા-રમતા અને આરામથી આઇસક્રીમ ખાતા માણસનું આ રીતે સેકન્ડોમાં મોત થતાં આસપાસના લોકો અને વેપારીઓ સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકના પરિવારમાં માતમ છવાયો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




