Vadodara Breaking: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામમાં ગેરકાયદેસર રીતે થયેલા એક ડિમોલિશનના પગલે ભારે વિવાદ સર્જાયો છે. મેરાકુવા ગામમાં આવેલા સરદાર આવાસ યોજનાના ૧૯ જેટલા મકાનો કોઈપણ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર તોડી પાડવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ ‘ભૂતિયા ડિમોલિશન’ને કારણે સ્થાનિક સ્તરેથી લઈને જિલ્લા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
Vadodara Breaking: મોટો સરકારી કાર્યક્રમ રદ કરવાની નોબત આવી
સૂત્રોના જણાવ્યા અનુસાર, જે જગ્યા પર આ આવાસના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, તે જ સ્થળે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય સહિત અનેક મોટા રાજકીય આગેવાનો હાજર રહેવાના હતા. જો કે, મકાનો તોડી પાડવાનો આ વિવાદ એટલો વકર્યો કે આખરે સરકારી તંત્ર અને પદાધિકારીઓએ આ વૃક્ષારોપણ કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ કરવો પડ્યો છે.
Vadodara Breaking: તપાસનો ધમધમાટ શરૂ

કોઈપણ ઉચ્ચ કક્ષાની મંજૂરી કે નોટિસ વગર ગરીબોના આવાસના ૧૯ મકાનો કોના ઈશારે અને કેમ તોડી પાડવામાં આવ્યા, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં આ સમગ્ર ‘ભૂતિયા ડિમોલિશન’ મામલે ઉચ્ચ સ્તરેથી તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
હાલ આ મેરાકુવા ગામનો મામલો તાલુકા અને જિલ્લા સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે, અને જવાબદારો સામે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજકોટમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે અડધો કલાક બેઠક




