Rajya Sabha Polls: દેશમાં યોજાઈ રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કુલ 26 બેઠકોમાંથી 14 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, કારણ કે તેમની સામે અન્ય કોઈ વિપક્ષી ઉમેદવારે દાવેદારી નોંધાવી નહોતી. બિનહરીફ જીતેલા આ 14 ઉમેદવારોમાંથી ભાજપના 10 અને કોંગ્રેસના 4 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

Rajya Sabha Polls: મલ્લિકાર્જુન ખડગે અને પવન ખેડા બિનહરીફ વિજેતા
આ ચૂંટણીમાં બિનહરીફ જીતનારા અગ્રણી નેતાઓમાં કર્ણાટકથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મીડિયા તથા પ્રચાર પ્રમુખ પવન ખેડા સામેલ છે.
Rajya Sabha Polls: રાજ્યવાર પરિણામો પર એક નજર:
- ગુજરાત: ગુજરાતની તમામ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. અગાઉ અહીં 3 બેઠકો ભાજપ અને 1 કોંગ્રેસ પાસે હતી, જે હવે તમામ ભાજપના ખાતામાં ગઈ છે.
- રાજસ્થાન: અહીંની 3 બેઠકોમાંથી ભાજપના સતીશ પૂનિયા અને અલકા ગુર્જર તેમજ કોંગ્રેસના નીરજ ડાંગી બિનહરીફ ચૂંટાયા છે. (ભાજપ-2, કોંગ્રેસ-1)
- મધ્ય પ્રદેશ: ભાજપના રજનીશ અગ્રવાલ, તરુણ ચુઘ અને મહેશ કેવટે જીત મેળવી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ થતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી શુક્રવારે થશે.
- કર્ણાટક: કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા 3 બેઠકો જીતી લીધી છે, જ્યારે NDAને માત્ર 1 બેઠક મળી છે.
Rajya Sabha Polls: 12 બેઠકો માટે 18 જૂને થશે મતદાન

બાકી રહેલી 12 બેઠકો માટે આગામી 18 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં આંધ્રપ્રદેશની 4, ઝારખંડની 2 અને મણિપુર, મેઘાલય, અરુણાચલ, મિઝોરમ, મહારાષ્ટ્ર તેમજ તમિલનાડુની 1-1 બેઠકનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 1, ભાજપને 8, JMMને 2 અને TVKને 1 બેઠક મળવાનું અનુમાન છે.
રાજ્યસભામાં હાલનું સંખ્યાબળ:
કુલ 245 સભ્યોવાળી રાજ્યસભામાં હાલ NDA પાસે 147 સાંસદો છે, જ્યારે વિપક્ષ પાસે 67 અને બિન-ગઠબંધનવાળા પ્રાદેશિક પક્ષો પાસે 28 સાંસદોનું સંખ્યાબળ છે.
અન્ય રાજ્યોમાં શક્તિપ્રદર્શન અને સમીકરણો:
- આંધ્ર પ્રદેશ (4 બેઠકો): હાલ અહીં YSRCP પાસે 3 અને TDP પાસે 1 બેઠક છે, પરંતુ બદલાયેલા સમીકરણો મુજબ હવે NDA ચારેય બેઠકો જીતી શકે છે.
- ઝારખંડ (2 બેઠકો): આ બંને બેઠકો JMM-કોંગ્રેસ ગઠબંધન (INDIA) ના ખાતામાં જઈ શકે છે. જોકે, ભાજપ પાસે 21 ધારાસભ્યો હોવાથી જો ક્રોસ વોટિંગ થાય તો ભાજપ 1 બેઠક આંચકી શકે છે.
- મહારાષ્ટ્ર અને તમિલનાડુ (પેટાચૂંટણી): મહારાષ્ટ્રમાં NCPના સુનેત્રા પવાર અને તમિલનાડુમાં AIADMKના સીવી ષણમુગમના રાજીનામાથી ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી થશે. મહારાષ્ટ્રની બેઠક NDAને જ્યારે તમિલનાડુની બેઠક કોંગ્રેસના સમર્થનવાળી TVK પાર્ટીને મળી શકે છે.
- પૂર્વોત્તર રાજ્યો: મણિપુર અને અરુણાચલ પ્રદેશની બંને બેઠકો ફરી ભાજપના ખાતામાં જાય તેવા પૂરા સંકેત છે. મેઘાલયમાં NDA સહયોગી પક્ષ NPP પોતાની બેઠક બચાવી શકે છે, જ્યારે મિઝોરમમાં MNFની બેઠક ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ જીતી શકે છે.
આ પણ વાંચો :તાપી સાયબર ક્રાઈમનું મોટું ઓપરેશન ‘મ્યુલ હંટ 2.0’ અંતર્ગત વ્યારામાંથી કરોડોના કૌભાંડનો આરોપી ઝડપાયો!




