Death Before Hospital: મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક એક કાળજું કંપાવી દેનારો ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં પૂરઝડપે આવી રહેલી કિયા કાર રોડ ક્રોસ કરી રહેલા એક ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરમાં રણછોડગઢ ગામના તાલુકા પંચાયતના સદસ્ય સહિત કુલ ૫ લોકોના કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે ૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે.
Death Before Hospital: ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જતા નડ્યો કાળમુખો અકસ્માત

આ દુર્ઘટના પાછળની કહાની ખૂબ જ કરુણ છે. રણછોડગઢ ગામના ૨૪ વર્ષીય યુવક પરેશનું હળવદના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થયું હતું. પરેશને ઇજા થઈ હોવાના સમાચાર મળતા જ તેના પિતા દિલીપભાઈ અને ગામના અન્ય આગેવાનો તાત્કાલિક કિયા કાર લઈને તેને લેવા પહોંચ્યા હતા.
પરેશને કારમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન ચરાડવા ગામ નજીક એક પેટ્રોલ પંપની સામે કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. સ્પીડ એટલી વધારે હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તે ડમ્પરની નીચે ઘૂસી ગઈ હતી. જે બાઈક ચાલક પરેશને બચાવવા પરિવાર નીકળ્યો હતો, તેને હોસ્પિટલ પહોંચાડે તે પહેલા જ કાળ આંબી ગયો હતો.
Death Before Hospital: JCBની મદદથી પતરા કાપીને લાશો બહાર કઢાઈ

ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ ૭ લોકો અંદર જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અકસ્માત થતાં જ આજુબાજુથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો અને તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબી (JCB) બોલાવવું પડ્યું હતું. જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને અને કાપીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ૨ લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
Death Before Hospital: આપ (AAP) નેતા સહિત ૫ ના મોતથી રણછોડગઢ ગામ હિબકે ચડ્યું

આ અકસ્માતમાં આમ આદમી પાર્ટીના રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ દઢેયાનું પણ મોત નીપજ્યું છે. એક જ ગામના ૫ આશાસ્પદ લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર રણછોડગઢ ગામમાં માતમ છવાઈ ગયો હતો.
આજે ગામમાં પાંચેય મૃતકોની એકસાથે સ્મશાનયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. આ અંતિમયાત્રામાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા સહિતના અનેક રાજકીય-સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી અને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.
Death Before Hospital: મૃતકો અને ઇજાગ્રસ્તોની યાદી

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકો:
- સુરેશ વિશાભાઈ સિહોરા (ઉંમર: ૪૭ વર્ષ)
- વિરમ ભીમાભાઇ દઢેયા (ઉંમર: ૨૮ વર્ષ)
- પરેશ દિલીપભાઈ દઢેયા (ઉંમર: ૨૪ વર્ષ – જેનું બાઈક સ્લીપ થયું હતું)
- પ્રેમજીભાઈ દઢેયા (ઉંમર: ૫૯ વર્ષ – તાલુકા પંચાયત સદસ્ય)
- ભરત પ્રભુભાઈ દઢેયા (ઉંમર: ૩૯ વર્ષ)
હોસ્પિટલમાં સારવાર હેઠળ ઇજાગ્રસ્તો:


- પ્રકાશ ભરતભાઈ દઢેયા (ઉંમર: ૨૫ વર્ષ)
- દિલીપ ભગવાનજીભાઈ દઢેયા (ઉંમર: ૫૯ વર્ષ – મૃતક પરેશના પિતા)
હાલમાં બંને ઇજાગ્રસ્તો મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ ખેલી રહ્યા છે. હળવદ તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મોટેરામાં AMCનું બુલડોઝર ફર્યું, ‘બેટી બચાવો’ના નારા વચ્ચે દીકરીનો આક્રોશ– “જગ્યા નથી, ક્યાં ભણું? રોડ પર?”




