High Tension In Motera: ચોમાસાની શરૂઆત પહેલા જ અમદાવાદના મોટેરા જૂના ગામમાં આજે (૬ જૂન) તંત્ર દ્વારા ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આસારામ આશ્રમ પાસે આવેલા ૧૭ મકાનોના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. જોકે, આ કામગીરી દરમિયાન સ્થાનિકોનો ભારે વિરોધ, આંસુ અને આક્રોશ જોવા મળ્યો હતો. સૌથી વધુ હૃદયદ્રાવક દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે એક આશાસ્પદ દીકરીએ રડતા રડતા તંત્ર સામે આકરા સવાલો કર્યા હતા.

High Tension In Motera: “મારું ભવિષ્ય બરબાદ થઈ ગયું…” દીકરીની કરુણ આજીજી
મકાન તૂટતાની સાથે જ એક પરિવાર રસ્તા પર આવી ગયો હતો. આ પરિવારની દીકરી કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહી છે. ઘર તૂટી જતાં રડી પડેલી દીકરીએ રોષે ભરાઈને જણાવ્યું કે:
“બેટી પઢાઓ… કશું તંબુરો નથી થતું! હવે જગ્યા જ નથી તો હું ક્યાં ભણું? અમને બેઘર કરી દીધા છે, શું હવે હું રોડ પર ભણું? મારું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે.”
બીજી તરફ એક મહિલાએ રડતાં રડતાં પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, તેમને ૬ મહિનાનું નાનું બાળક છે, આ કાળઝાળ ગરમી અને આવતા ચોમાસામાં તેને લઈને ક્યાં જવું?
High Tension In Motera: ૩૦ મિનિટનું અલ્ટીમેટમ અને આત્મવિલોપનની ચીમકી
શનિવારે સવારે જ્યારે AMC અને ચાંદખેડા પોલીસનો કાફલો મોટેરા જૂના ગામમાં પહોંચ્યો ત્યારે સ્થાનિકો પોતાના મકાનોના દસ્તાવેજો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અધિકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ તણાવપૂર્ણ બનતા તંત્ર દ્વારા માઈક પર એનાઉન્સમેન્ટ કરીને મકાનો ખાલી કરવા માટે માત્ર ૩૦ મિનિટની મહોલત આપવામાં આવી હતી.
આ અલ્ટીમેટમ મળતા જ સ્થાનિકો વિફર્યા હતા. ૩૦ મિનિટ પૂરી થતાં જ જેવી જેસીબી (JCB) મશીનોએ ગામમાં એન્ટ્રી કરી, કે તરત જ બાળકો ભયના માર્યા રડવા લાગ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક યુવકે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી લીધી હતી. અટકાયત દરમિયાન યુવકે બૂમો પાડીને કહ્યું કે, જો તે આત્મવિલોપન કરશે તો તેની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે.
High Tension In Motera: “૫૦ વારનું મકાન કાયદેસર છે, તો આખું કેમ તોડો છો?”
સ્થાનિક રહીશ અંજલિ ઠાકોરે તંત્રની આ કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે:
- વર્ષો જૂનું રહેઠાણ: અમારું ૫૦ વારનું મૂળ મકાન સંપૂર્ણ કાયદેસર છે. આગળનો જે ગેરકાયદેસર ભાગ છે, તે અમે જાતે તોડી પાડવા તૈયાર હતા.
- અપૂરતું ભાડું: તંત્ર તરફથી અમને ₹૭,૦૦૦ થી ₹૮,૦૦૦ ભાડું આપવાની અને ઔડા (AUDA)નું મકાન ફાળવવાની ઓફર થઈ છે, પરંતુ આજના સમયમાં આટલા ભાડામાં ક્યાંય મકાન મળતું નથી.
- ચોમાસાની ચિંતા: માથે ચોમાસું આવી રહ્યું છે અને બાળકોની શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે આ રીતે અચાનક બેઘર કરી દેવાતા અમે ક્યાં જઈએ?
High Tension In Motera: AMC અને પોલીસનો પક્ષ
બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના અધિકારીઓનું કહેવું છે કે, આ તમામ ૧૭ મકાનોના ગેરકાયદેસર ભાગને તોડવા માટે અગાઉથી જ નોટિસ અને વૈકલ્પિક વ્યવસ્થા (ભાડું/આવાસ)ની ઓફર કરવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિકોએ મકાનો ખાલી ન કરતા આખરે પોલીસ બંદોબસ્ત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડી છે. હાલમાં ચુસ્ત પોલીસ પહેરા વચ્ચે ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




