Yogesh Patel Funeral: વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા યોગેશ પટેલના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે લોકોના દિલ જીતનારા આ અજેય લોકનેતાની અંતિમક્રિયા આજે એટલે કે 4 જૂન, 2026 ગુરૂવારના રોજ સવારે કરવામાં આવશે. આ વરિષ્ઠ નેતાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ અને મંત્રી મનીષા વકીલ સહિતના આગેવાનો આવી પહોંચ્યા હતા. તેમની અંતિમયાત્રામાં વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યના રાજકીય આગેવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને હજારોની સંખ્યામાં સમર્થકો જોડાશે.

Yogesh Patel Funeral: ખાસવાડી સ્મશાનગૃહે અગ્નિદાહ અપાશે: ચુસ્ત પોલીસ બંદોબસ્ત
યોગેશ પટેલની સ્મશાનયાત્રા કારેલીબાગ સ્થિત ‘અમદાવાદી પોળ’ ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને શહેરના ખાસવાડી સ્મશાન ખાતે તેઓના પાર્થિવ દેહને શાસ્ત્રોક્ત વિધિથી અગ્નિદાહ આપવામાં આવશે. જે રૂટ પરથી અંતિમયાત્રા પસાર થવાની છે, તે આખા માર્ગ પર યોગેશ પટેલના મોટા-મોટા શ્રદ્ધાંજલિ બેનરો લગાવવામાં આવ્યા છે. અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટી પડવાની સંભાવનાને પગલે વડોદરા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન અને સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Yogesh Patel Funeral: CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરી આપે તેવી પ્રબળ શક્યતા
રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્યોમાં જેમની ગણના થતી હતી તેવા યોગેશ પટેલનો વિધાનસભામાં પક્ષ-વિપક્ષના તમામ નેતાઓ સાથે અંગત અને સ્નેહભર્યો ઘરોબો હતો. આથી, તેમની અંતિમયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજરી આપે એવી પ્રબળ શક્યતા છે. મુખ્યમંત્રી ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ પ્રદેશ ભાજપના અગ્રણી જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજો વડોદરા આવી પહોંચશે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
Yogesh Patel Funeral: સળંગ 8 ટર્મ અજેય રહીને જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય રહ્યા
યોગેશ પટેલ માત્ર એક નેતા નહીં પણ વડોદરાના પાયાના કાર્યકર હતા. તેમની રાજકીય સફર અદભુત રહી છે:
- 8 ટર્મ અજેય: તેઓ વર્ષ 1990થી સતત 8 ટર્મ સુધી વિધાનસભા ચૂંટણીમાં અજેય રહ્યા હતા.
- મંત્રી તરીકે સેવા: તેઓ વિજય રૂપાણીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા હતા.
- લોકપ્રિયતા: તેઓ પોતાના બેબાક અંદાજ અને લોકોના કામો ચપટીમાં ઉકેલવા માટે જાણીતા હતા, જેના કારણે તેઓ જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદે રહ્યા.
Yogesh Patel Funeral: યોગેશ પટેલના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ
યોગેશ પટેલના દુઃખદ અવસાનથી ગુજરાત વિધાનસભાનું સંખ્યાબળ ફરી એકવાર ખોરવાયું છે.
27 દિવસમાં જ ફરી બેઠક ખાલી: આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે, 5 મેના રોજ આવેલા પેટાચૂંટણીના પરિણામો બાદ તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થતાં સભ્ય સંખ્યા ફરી 182 થઈ ગઈ હતી. પરંતુ આ ઘટનાના માત્ર 27 દિવસમાં જ યોગેશ પટેલના અવસાનથી ફરી એકવાર વિધાનસભા ખંડિત થઈ ગઈ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




