GSRTC Crisis: ગુજરાત એસટી નિગમમાં ભડકો, ખાનગીકરણ અને પડતર પ્રશ્નો મુદ્દે કર્મચારીઓનું આંદોલન, 18 જૂનથી આરપારની લડાઈ

0
85
GSRTC Crisis
GSRTC Crisis

GSRTC Crisis: ગુજરાત જાહેર પરિવહનની જીવાદોરી સમાન ગુજરાત એસટી (ST) નિગમમાં આગામી દિવસોમાં મોટો ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એસટીના ખાનગીકરણના વિરોધમાં અને કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને ‘ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ’ દ્વારા આગામી 18 જૂનથી 25 જૂન સુધી રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. એક સપ્તાહ સુધી ચાલનારા આ વિરોધ પ્રદર્શનમાં એસટી કર્મચારીઓ કાળી પટ્ટી બાંધીને, ઘંટનાદ સાથે રામધૂન બોલાવીને ડેપો અને કચેરીઓ ગજવશે.

GSRTC Crisis

GSRTC Crisis: કર્મચારીઓમાં રોષનું મુખ્ય કારણ શું છે?

એસટી નિગમ દ્વારા લેવામાં આવી રહેલા તાજેતરના નિર્ણયોથી કર્મચારીઓમાં ભારે અસંતોષ છે. રોષના મુખ્ય કારણો નીચે મુજબ છે:

  • ખાનગીકરણ અને આઉટસોર્સિંગ: નિગમ દ્વારા કરોડો રૂપિયા ચૂકવીને ખાનગી એજન્સીઓ પાસેથી બસો ભાડે લેવામાં આવી રહી છે. આ ઉપરાંત આઉટસોર્સિંગથી 4,000 જેટલા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવાના નિર્ણયથી કર્મચારીઓ લાલઘૂમ થયા છે.
  • સાતમું પગાર પંચ: કર્મચારીઓ માટે વર્ષોથી સાતમું પગાર પંચ પૂરતી રીતે લાગુ કરવાની માંગ હજુ અધ્ધરતાલ છે.
  • મોંઘવારી અરિયર્સ: છેલ્લા દોઢ વર્ષથી બાકી ચડત મોંઘવારી ભથ્થાનું અરિયર્સ ચૂકવવામાં આવ્યું નથી.
  • કોન્ટ્રાક્ટ પ્રથા: નિગમમાં ચાલી રહેલી શોષણયુક્ત કોન્ટ્રાક્ટ પ્રથા તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

GSRTC Crisis: આંદોલનનું આખું શેડ્યૂલ: જાણો કયા દિવસે શું થશે?

કર્મચારી મહાસંઘ દ્વારા ડિજિટલથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી વિરોધ પ્રદર્શનનું ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે:

તારીખવિરોધનો પ્રકાર અને કાર્યક્રમ
18, 19 અને 20 જૂનતમામ એસટી કર્મચારીઓ ફરજ દરમિયાન હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે.
22 અને 23 જૂનવિવિધ બસ ડેપો, વર્કશોપ અને વિભાગીય કચેરીઓ બહાર કર્મચારીઓ એકઠા થઈ સૂત્રોચ્ચાર, ઘંટનાદ અને રામધૂન બોલાવશે.
24 જૂનઆ દિવસે ડિજિટલ આંદોલન થશે. કર્મચારીઓ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી અને નિગમના વડાને ટેગ કરીને સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચલાવશે.
25 જૂનઆંદોલનના અંતિમ દિવસે નિગમની તમામ વિભાગીય કચેરીઓ સામે સવારે 11 વાગ્યાથી કર્મચારીઓ ધરણાં પર બેસી ઉગ્ર દેખાવો કરશે.

મુસાફરોની હાલાકી વધી શકે છે: એસટી એ ગુજરાતના અંતરિયાળ ગામડાઓ સુધી કનેક્ટિવિટી આપતું એકમાત્ર માધ્યમ છે. જો આગામી દિવસોમાં એસટી કર્મચારીઓનું આ આંદોલન વધુ ઉગ્ર બનશે, તો રાજ્યના લાખો મુસાફરોની મુશ્કેલીઓમાં મોટો વધારો થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ આંદોલન શરૂ થાય તે પહેલાં કર્મચારી સંગઠનો સાથે વાટાઘાટો કરીને કોઈ વચલો રસ્તો કાઢે છે કે કેમ.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ચાલુ EV કારે બિયર ગટગટાવી આર્કિટેક્ટે મચાવી તબાહી; બે સગા ભાઈ અને બે મહિલાઓને કચડ્યા