Visa Fraud:મહેસાણા જિલ્લામાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર છેતરાયો છે. વિજાપુર તાલુકાના વસઈ ગામના બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટે દિલ્હી બોલાવ્યા અને અહીં મહેસાણામાં પિતાની નજર સામે જ પિસ્તોલની અણીએ રૂ. 64 લાખની લૂંટ ચલાવી આરોપીઓ નાસી છૂટ્યા છે.
Visa Fraud:શું છે સમગ્ર ઘટના?

વસઈ ગામના ખેડૂત બળવંતસિંહ ચાવડા પોતાના પુત્ર સિદ્ધાર્થને વિદેશ મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ (રહે. નડિયાદ) સાથે થયો હતો. નિલેશે બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે રૂ. 64 લાખમાં સોદો નક્કી કર્યો હતો.
- દિલ્હી બોલાવ્યા: 18 એપ્રિલના રોજ એજન્ટે ટિકિટ થઈ ગઈ હોવાનું કહી બંને યુવાનોને દિલ્હી બોલાવી લીધા હતા.
- ગેસ્ટ હાઉસમાં મીટિંગ: એજન્ટે તેના બે માણસોને પૈસા લેવા મહેસાણા મોકલ્યા. બળવંતસિંહ આ શખ્સોને ગોઝારિયાથી લઈને ડાભલા ચોકડી પર આવેલા રાધે ગેસ્ટ હાઉસમાં ગયા હતા.
Visa Fraud:બેડ પર નોટોના બંડલ અને પિસ્તોલની અણીએ લૂંટ

ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં આરોપીઓ ગેસ્ટ હાઉસના બેડ પર રૂ. 500-500ના બંડલોનો ઢગલો કરીને નોટો ગણી રહ્યા છે.
આરોપીઓએ વિશ્વાસ આપ્યો હતો કે રાત્રે 1 વાગ્યે દિલ્હીથી ફ્લાઈટ છે, એટલે તમે પૈસા બતાવો.
જેવા પરિવારે દાગીના વેચીને અને સગાં-વ્હાલાં પાસેથી ઉછીના લાવીને ભેગા કરેલા 64 લાખ રૂપિયા બતાવ્યા, કે તરત જ આરોપીઓએ અસલી રંગ બતાવ્યો હતો. રાત્રે અંદાજે 9 વાગ્યે આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને રોકડ રકમ લૂંટી લીધી અને નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા હતા.
VisaFraud:તપાસમાં ચોંકાવનારા ખુલાસા
લૂંટ બાદ બળવંતસિંહે વસઈ પોલીસ સ્ટેશનમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે આશ્ચર્યજનક છે:
- ઇન્ટરનેશનલ કનેક્શન: એજન્ટ નિલેશ જે નંબર પરથી વાત કરતો હતો તે થાઇલેન્ડનો હોવાનું ખુલ્યું છે.
- કબૂતરબાજીનું જાળ: જે યુવાન (મુકેશ વણઝારા) સાથે આ ડીલ થઈ હતી, તેને દોઢ વર્ષ પહેલા મલેશિયાથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ એજન્ટે તેને લાલચ આપીને જાળમાં ફસાવ્યો હતો.
પોલીસ એક્શન મોડમાં
આ મોટી લૂંટને પગલે મહેસાણા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એક્શનમાં આવી છે. નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાર અલગ-અલગ ટીમો બનાવીને અન્ય રાજ્યોમાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પુત્રને વિદેશ મોકલવાના સ્વપ્ન સાથે સર્વસ્વ હોમી દેનારા બંને પરિવારો હાલ પાયમાલ થઈ ગયા છે.
આ પણ વાંચો :ગાયિકા કાજલ મહેરિયાના પ્રેમ લગ્નનો હાઈવોલ્ટેજ ડ્રામા: ‘મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, કોઈ દબાણ નથી’




