HomeGujaratVadodara Firing Case: વડોદરા ફાયરિંગ કાંડમાં મોટો ખુલાસો, દારૂની મહેફિલમાં બબાલ બાદ...

Vadodara Firing Case: વડોદરા ફાયરિંગ કાંડમાં મોટો ખુલાસો, દારૂની મહેફિલમાં બબાલ બાદ નબીરાઓએ હવામાં ગોળીઓ ધરબી, ૨૦૦ મીટર દૂર ફ્લેટના ડ્રોઈંગ રૂમ સુધી બુલેટ પહોંચી!

Vadodara Firing Case: સંસ્કારી નગરી વડોદરાના પોશ ગણાતા ગોત્રી-ભાયલી વિસ્તારમાં ગત રાત્રે સર્જાયેલા ફાયરિંગ કાંડમાં પોલીસે ગણતરીના કલાકોમાં મોટો પર્દાફાશ કર્યો છે. ગઇકાલે (૨ જુલાઈ) મોડી રાત્રે ૧ વાગ્યાની આસપાસ પ્રિયા થિયેટર નજીક આવેલા ‘આરના-૪૮’ એપાર્ટમેન્ટના બે ફ્લેટ પર અચાનક ફાયરિંગ થયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને એફએસએલ (FSL) ની મદદથી તપાસ કરતાં બહાર આવ્યું છે કે, આ કોઈ આંતરિક દુશ્મની નહીં પરંતુ દારૂના નશામાં ચૂર બનેલા નબીરાઓનું કારસ્તાન હતું. પોલીસે આ મામલે ૫થી ૬ નબીરાઓને રાઉન્ડઅપ કરી ગુનામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કરી લીધું છે.

Vadodara Firing Case

Vadodara Firing Case: દારૂની મહેફિલમાં ઝઘડો અને ૨૦૦ મીટર દૂર ફાયરિંગ

પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, જે બિલ્ડિંગ (આરના-૪૮) ના ફ્લેટ પર ગોળીઓ વાગી હતી, તેનાથી અંદાજિત ૨૦૦ મીટર દૂર આવેલી ‘અશ્વમેઘ એવન્યુ’ ના ચોથા માળે કેટલાક ધનાઢ્ય પરિવારના નબીરાઓએ દારૂની મહેફિલ જમાવી હતી. મોડી રાત્રે દારૂના નશામાં કોઈ વાત પર નબીરાઓ વચ્ચે ઉગ્ર માથાકૂટ અને બબાલ થઈ હતી. ઝઘડો એટલો વધ્યો કે છાકટા બનેલા નબીરાઓએ બેફામ બનીને ફાયરિંગ કરી દીધું હતું. આ મહેફિલમાંથી છૂટેલી ગોળીઓ અંદાજે ૨૦૦ મીટરનું અંતર કાપીને સામેની બિલ્ડિંગ આરના-૪૮ ના ફ્લેટ નંબર ૨૦૧ અને ૩૦૧ ની બાલ્કનીમાં ઘૂસી ગઈ હતી. ફાયરિંગની ઘટના બાદ નબીરાઓમાં નાસભાગ મચી હતી અને તેઓ ભાગતા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા હતા.

Vadodara Firing Case

Vadodara Firing Case: ઘરમાં પરિવાર સૂતો હતો ને કાચ તોડી બુલેટ ડ્રોઈંગ રૂમમાં પડી!

જ્યારે આ ઘટના બની ત્યારે આરના-૪૮ ના ફ્લેટમાં પરિવાર આરામથી સૂતો હતો. ફાયરિંગ દરમિયાન એકાએક જોરદાર ધડાકો થતાં જ પડોશીઓ અને પરિવારના લોકો ઊંઘમાંથી ઝબકીને જાગી ગયા હતા. પડોશી બદ્રીશ ચોકસીએ જણાવ્યું કે, “રાત્રે ૧:૧૦ વાગ્યે મોટો અવાજ આવતા અમે દોડીને ગયા તો ઘરમાં કાચ અને બાલ્કનીના પડદા તૂટેલા હતા. તપાસ કરતા બુલેટનો પાછળનો ભાગ (કારતૂસ) ત્યાંથી મળી આવ્યો હતો.”

Vadodara Firing Case

ગોળી એટલી સ્પીડમાં આવી હતી કે તે બાલ્કનીની મચ્છર જાળી અને કાચ તોડીને લાકડાના મુખ્ય દરવાજાને પાર કરીને છેક ડ્રોઇંગ રૂમ સુધી પહોંચી ગઈ હતી. જે ફ્લેટ પર ગોળી વાગી છે ત્યાં એક મહિલા તેના વૃદ્ધ માતા-પિતા સાથે રહે છે અને તેમની કોઈની સાથે કોઈ દુશ્મની પણ નહોતી. સદનસીબે ગોળી સીધી કોઈ સભ્યને ન વાગતાં મોટી જાનહાનિ ટળી છે.

Vadodara Firing Case: પોલીસ એક્શન મોડમાં: હથિયાર કબજે

ઘટનાની ગંભીરતાને જોઈને વડોદરા તાલુકા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને એફએસએલની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સીસીટીવીના આધારે પોલીસે દારૂની મહેફિલ માણતા ૫થી ૬ નબીરાઓની ઓળખ કરી તેમને કસ્ટડીમાં લીધા છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ/રીવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે. પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહિશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.

Vadodara Firing Case

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત આતંકી હુમલાના ષડયંત્રમાંથી ઉગરી ગયું, ગુજરાત-MPમાં ATSનું મેગા ઓપરેશન, જૈશ-એ-મોહમ્મદના ૮ ખતરનાક આતંકીઓ ઝડપાયા!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments