HomeGujaratTragedy Strikes Surat: સુરતમાં આકાશી આફતે બે હસતા-ખેડતા પરિવારોના માળા વિખેર્યા, કાળમુખા...

Tragedy Strikes Surat: સુરતમાં આકાશી આફતે બે હસતા-ખેડતા પરિવારોના માળા વિખેર્યા, કાળમુખા પૂરમાં 10 વર્ષનો માસૂમ અને બે સગા ભાઈઓ તણાયા

Tragedy Strikes Surat: દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત અને અતિ ભારે વરસાદે હવે મોટી તારાજી સર્જવાનું શરૂ કર્યું છે. ઠેર-ઠેર ખાડીપૂર અને જળબંબાકારની ભયાનક સ્થિતિ વચ્ચે સુરત શહેરમાંથી કાળજું કંપાવી દે તેવી બે જુદી-જુદી આઘાતજનક દુર્ઘટનાઓ સામે આવી છે. સુરતના પાંડેસરા અને ઉન પાટીયા વિસ્તારમાં પૂરના પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જવાથી 10 વર્ષના એક માસૂમ બાળક સહિત ત્રણ આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે. આ આકાશી આફતે બે હસતા-ખેડતા પરિવારોના માળા વિખી નાખતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

Tragedy Strikes Surat

Tragedy Strikes Surat: પાંડેસરામાં રાત્રે લાઈટ ગુલ થતાં ઘરની બહાર નીકળેલો માસૂમ પૂરમાં તણાયો

પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા અને મૂળ હરિયાણાના વતની ધર્મેન્દ્ર કુમારનો 10 વર્ષનો પુત્ર અનુભવ પુરી ગત 7 જુલાઈની રાત્રે ભારે વરસાદ વચ્ચે વીજળી ગુલ થઈ ગઈ હોવાથી પરિવાર સાથે ઊંઘમાં હતો. અનુભવ થોડો માનસિક રીતે અસ્વસ્થ હતો. રાત્રે આશરે 2થી 3 વાગ્યાની આસપાસ, પરિવારની જાણ બહાર તે ઘરની બહાર નીકળી ગયો હતો અને રોડ પર ભરાયેલા કમર સમાન 4થી 5 ફૂટ જેટલા પાણીમાં રમવા લાગ્યો હતો. આ દરમિયાન રસ્તા પર પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તે વહેણમાં તણાઈ ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. વહેલી સવારે બાળકની માતા જાગી ત્યારે પુત્ર ઘરમાં ન જણાતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ નાગસેન નગરના જ એક ખૂણામાંથી પાણીમાં ડૂબેલી હાલતમાં માસૂમ અનુભવનો મૃતદેહ મળી આવ્યો હતો.

Tragedy Strikes Surat: ઉન પાટીયામાં રાત્રિના અંધકારમાં બે જુવાનજોધ સગા ભાઈઓ તણાયા

બીજી તરફ, સુરતના ઉન પાટીયા વિસ્તારમાંથી પણ આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર ભરાયેલા પાણીના ભારે કરંટ અને તેજ પ્રવાહમાં તણાઈ જવાથી બે જુવાનજોધ સગા ભાઈઓના અકાળે મોત થયા છે. મૃતક ભાઈઓની ઓળખ 20 વર્ષીય હારૂન અને 22 વર્ષીય ફારુક તરીકે થઈ છે. ગઈ રાત્રે ધોધમાર વરસાદને કારણે ઉન પાટીયા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને વહેણ ખૂબ જ તીવ્ર હતું. આ દરમિયાન બંને ભાઈઓ કોઈ અગત્યના કામસર બહાર નીકળ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બંને ભાઈઓ અચાનક તેમાં તણાયા હતા અને રાત્રિના અંધકારમાં ગુમ થઈ ગયા હતા.

આજે વહેલી સવારે જ્યારે પાણી ઓસરવાનું શરૂ થયું ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન એક ભાઈનો મૃતદેહ રસ્તા પર પાણીમાં તરતો મળી આવ્યો હતો, જ્યારે બીજા ભાઈનો મૃતદેહ પાણીના તેજ પ્રવાહમાં ઘસડાઈને રસ્તા કિનારે પાર્ક કરેલી એક કાર નીચે ફસાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. 20 અને 22 વર્ષના બે જુવાનજોધ દીકરાઓની લાશ એકસાથે જોઈને માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું.

Tragedy Strikes Surat

Tragedy Strikes Surat: તંત્રની કામગીરી સામે રોષ

મૃતકના સંબંધી મોહમ્મદ ઝફીર આલમે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “બંને ભાઈઓ પૂરના તેજ વહેણમાં તણાયા બાદ તેમણે મદદ માંગી હતી, પરંતુ ક્યાંયથી મદદ મળી નહીં. લાશ શોધવા કે બહાર કાઢવા માટે તંત્રની કોઈ મદદ નહોતી મળી. સવારે અમે સ્થાનિકોએ જ ભેગા થઈને ભારે જહેમત બાદ બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢ્યા છે.”

બંને કરુણ દુર્ઘટનાઓની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લોકોની મદદથી તમામ મૃતદેહોને કબજે કરી, કાયદેસરની ઇન્ક્વેસ્ટ કાર્યવાહી હાથ ધરીને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. કુદરતના આ પ્રકોપે સુરતમાં ભારે તારાજી સર્જી છે, ત્યારે સ્થાનિક વહીવટી તંત્રની પ્રી-મોન્સુન કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપન સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

149મી જગન્નાથ રથયાત્રામાં રચાશે નવો ઈતિહાસ, આ વર્ષે પ્રભુના એક નહીં પણ બે-બે મામેરા ભરાશે, સરસપુરમાં ઉત્સાહનો ઉમળકો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments