FSSAI Crackdown: દેશમાં ફૂડ સેફ્ટી અને ગ્રાહકોને આપવામાં આવતી માહિતીના નિયમોના ભંગ સામે FSSAIએ કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક મહિનામાં ભ્રામક જાહેરાતો, ખોટા દાવા અને લેબલિંગના નિયમોના ઉલ્લંઘનને લઈને 150થી વધુ નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીને પગલે ફૂડ અને બેવરેજ ઉદ્યોગમાં ખળભળાટ મચ્યો છે.
FSSAIની કાર્યવાહી હેઠળ નેસ્લે ઇન્ડિયા, પેપ્સીકો અને કોકાકોલા ઇન્ડિયા જેવી મોટી કંપનીઓ પણ આવી હોવાનું જણાવાયું છે. રેગ્યુલેટરે કંપનીઓને પોતાના ઉત્પાદનો અંગે કરવામાં આવતા દાવા, જાહેરાતો અને પેકેજિંગ પર આપવામાં આવતી માહિતીમાં ફૂડ સેફ્ટી નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે.
FSSAI Crackdown: KFC, McDonald’s, Pizza Hut અને Domino’s પણ રડારમાં

ફૂડ સર્વિસ ક્ષેત્રમાં પણ FSSAIએ કાર્યવાહી કરી છે. KFC, McDonald’s, Pizza Hut, Domino’s અને Costa Coffee સહિતના જાણીતા બ્રાન્ડ્સને 30થી વધુ નોટિસ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ કાર્યવાહી મુખ્યત્વે ભ્રામક દાવા, જાહેરાત અને લેબલિંગ સંબંધિત નિયમોના કથિત ઉલ્લંઘનને લઈને કરવામાં આવી છે. ખાસ કરીને ગ્રાહકોને કોઈ પ્રોડક્ટની ગુણવત્તા, સામગ્રી અથવા અન્ય વિશેષતા અંગે ગેરમાર્ગે દોરતી માહિતી આપવામાં ન આવે તે માટે નિયમનકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
FSSAI Crackdown: Domino’sના 5 લાઇસન્સ સસ્પેન્ડ
આ કાર્યવાહીમાં Domino’sને પણ મોટો ઝટકો લાગ્યો હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ FSSAIએ Domino’sના પાંચ ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે.
લાઇસન્સ સસ્પેન્શન જેવી કાર્યવાહી દર્શાવે છે કે ફૂડ સેફ્ટી નિયમોના પાલનને લઈને નિયમનકાર હવે માત્ર નોટિસ આપવા પૂરતો મર્યાદિત રહેવા માંગતો નથી. નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય તો આગળની કડક કાર્યવાહી પણ થઈ શકે છે.
FSSAI Crackdown: Amazon અને Flipkartને પણ નોટિસ

માત્ર ફૂડ ઉત્પાદકો અને રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ જ નહીં, પરંતુ ઈ-કોમર્સ ક્ષેત્ર પણ FSSAIની નજર હેઠળ આવ્યું છે. Amazon અને Flipkartને મળીને 12 નોટિસ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત Amazonના એક વેરહાઉસનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હોવાની માહિતી પણ સામે આવી છે. ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચાતા ખાદ્ય ઉત્પાદનોમાં લેબલિંગ, લાઇસન્સ અને નિયમનકારી માપદંડોનું પાલન થાય છે કે નહીં, તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે.
FSSAI Crackdown: ભ્રામક દાવા અને જાહેરાતો સામે કડક વલણ
FSSAIનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ખાદ્ય ઉત્પાદનો અંગે સાચી અને પારદર્શક માહિતી મળે તે સુનિશ્ચિત કરવાનો છે. કંપનીઓ દ્વારા કોઈ પ્રોડક્ટને લઈને કરવામાં આવતા દાવા, પેકેજિંગ પર લખવામાં આવતી માહિતી અને જાહેરાતોમાં કરવામાં આવતા વચનો નિયમો અનુસાર હોવા જરૂરી છે.
આ કાર્યવાહીથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે ભ્રામક જાહેરાતો, ખોટા દાવા અને લેબલિંગના નિયમોના ભંગને હવે ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આવનારા સમયમાં અન્ય કંપનીઓ અને ફૂડ બિઝનેસ સામે પણ તપાસ તથા કાર્યવાહી વધુ તેજ બની શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: નિવૃત્ત CAPF જવાનો સરકાર સામે લડતના મૂડમાં: 7 નવેમ્બરથી જંતર-મંતર પર ભૂખ હડતાળ

