Surat Locker Scam: સુરત શહેરમાં સુરક્ષિત ગણાતા સેલ્ફ સેફ ડિપોઝિટ વોલ્ટમાં જ લોકરધારકોના કરોડો રૂપિયાના દાગીના ચોરાયા હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના નક્ષત્ર સેલ્ફ વોલ્ટ (Nakshatra Self Vault) ના માલિકે જ પોતાના ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી આ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે વોલ્ટના માલિક મહેશ દિયોરા અને તેના બે પુત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Surat Locker Scam: ડુબલીકેટ ચાવી બનાવીને ચલાવ્યું કૌભાંડ

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી માલિક મહેશ દિયોરાએ લોકર ધારકોની મિલકત પર હાથ સાફ કરવા માટે એક ઘાતકી કાવતરું રચ્યું હતું. તેણે ડુબલીકેટ ચાવી બનાવતા એક શખ્સની મદદથી વોલ્ટમાં રહેલા લોકરોની ડુબલીકેટ ચાવીઓ તૈયાર કરાવી હતી. આ ચાવીઓની મદદથી આરોપીઓએ ગ્રાહકોની ગેરહાજરીમાં તેમના લોકર ખોલીને અંદર રાખવામાં આવેલા કિંમતી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. આટલું જ નહીં, પુરાવાનો નાશ કરવા માટે વોલ્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્ક પણ ગાયબ કરી દેવામાં આવી હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Surat Locker Scam: રૂ. 2.68 કરોડની મત્તા ચોરાઈ, લોકરધારકોમાં ફફડાટ
આ કૌભાંડનો પર્દાફાશ થતા જ સુરતના નક્ષત્ર સેલ્ફ વોલ્ટની સિંગણપોર અને વરાછા બ્રાન્ચ પર ગભરાયેલા લોકર ધારકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોતાના જીવનભરની કમાણી અને કિંમતી દાગીના સુરક્ષિત રાખવા માટે લોકર ભાડે રાખનાર નાગરિકોમાં અફરાતફરી અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રમેશભાઈ નામના એક લોકરધારકના લોકરમાંથી એકલા જ ૬૩ તોલા સોનું ચોરી થઈ ગયું છે. આ ઉપરાંત અન્ય પાંચ ખાતાધારકો મળીને અત્યાર સુધીમાં કુલ રૂ. ૨.૬૮ કરોડ ની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે.
Surat Locker Scam: પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે તાત્કાલિક ધોરણે મુખ્ય આરોપી મહેશ દિયોરા અને તેના બે પુત્રોને ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો કે કર્મચારીઓ સામેલ છે કે કેમ અને ચોરી થયેલો મુદ્દામાલ ક્યાં છુપાવવામાં આવ્યો છે, તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. સુરક્ષિત જગ્યાએ જ મૂડી સાચવનારા લોકો સાથે થયેલી આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો :કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો જયજયકાર: શર્મિલાનો ગોલ્ડ અને સર્વેશનો ઐતિહાસિક સિલ્વર મેડલ




