Surat Deluge: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતું સ્માર્ટ સિટી સુરત હાલ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં ખાબકેલા ૧૨ ઇંચ જેટલા મુશળધાર વરસાદે આખા શહેરને બાનમાં લીધું છે. સોમવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે માત્ર ૨ કલાકમાં ૪ ઇંચ અને ત્યારબાદ આજે (૭ જુલાઈ) સવારથી બપોર સુધીમાં વધુ ૭ ઇંચ વરસાદ પડતાં સુરતની સુરત સંપૂર્ણપણે બગડી ગઈ છે. આ આકાશી આફતને કારણે છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ ૭ લોકોના મોત નીપજ્યા છે, જેનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.

Surat Deluge: કરંટ અને વીજળી પડવાથી ૭ના મોત
વરસાદી દુર્ઘટનાઓમાં ૬ જુલાઈએ બે અને ૭ જુલાઈએ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કરંટ લાગવાની અલગ-અલગ ઘટનાઓમાં ૪ લોકોના, પાણીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકીઓના અને વીજળી પડવાને કારણે એક પરિણીતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

Surat Deluge: ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ: પૂરનું મોટું સંકટ
સુરતની કાયમી સમસ્યા ગણાતી ખાડીઓએ આ વર્ષે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
- સીમાડા ખાડી ઓવરફ્લો: સીમાડા ખાડીના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે.
- લિંબાયત ખાડી એલર્ટ પર: લિંબાયત ખાડી તેની ભયજનક સપાટી (૮.૨૦ મીટર)ને પાર કરી ચૂકી છે, જેથી લિંબાયત અને પૂણા પાટિયા વિસ્તારમાં ખાડી પૂરનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ખાડીઓ ઓવરફ્લો થવાને કારણે શહેરની અંદરના વરસાદી પાણીનો નિકાલ તદ્દન ધીમો પડી ગયો છે. હાલ માત્ર ઉધનાની કાંકરા ખાડીનું સ્તર નિયંત્રણમાં છે.
Surat Deluge: ગ્રાઉન્ડ રિપોર્ટ: વીઆઈપી વિસ્તારો બન્યા ટાપુ, બોટો ચાલુ થઈ
કતારગામ, વરાછા, રાંદેર, વેસુ અને પૂણા પાટિયા જેવા પોશ અને સામાન્ય વિસ્તારો હાલ ટાપુમાં ફેરવાઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
૧. એસ.ટી. બસ પૂરમાં ફસાઈ, ૨૮ મુસાફરોનું દિલધડક રેસ્કયૂ
વરાછાના સરથાણા જકાતનાકા પાસે આવેલા વ્રજચોક અંડરપાસમાં ખંભાતથી સુરત આવી રહેલી GSRTCની એક એસ.ટી. બસ ગળાડૂબ પાણીમાં બંધ પડી ગઈ હતી. બસમાં ડ્રાઈવર-કંડક્ટર સહિત ૨૮ મુસાફરો સવાર હતા. પાણીનું સ્તર સતત વધતાં મુસાફરો ભારે ગભરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સરથાણા ફાયર સ્ટેશનની ટીમે ટ્રેક્ટરની મદદથી તમામ ૨૮ મુસાફરોને એક પછી એક હેમખેમ બહાર કાઢી આબાદ બચાવ કર્યો હતો.

૨. રેલ્વે સ્ટેશન ગરનાળામાં ગળા સમાન પાણી: વેપારીઓ બરબાદ
સૌથી દયનીય સ્થિતિ સુરત રેલ્વે સ્ટેશન પાસેના ગરનાળાની છે, જ્યાં ગળા સુધી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો છે. આસપાસની બેંકો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો છે. લોકોએ તંત્ર સામે રોષ ઠાલવતા કહ્યું, “મેટ્રો ટ્રેનમાં સવારી કરાવતા પહેલા અમારે બોટમાં ચાલવું પડી રહ્યું છે, સ્માર્ટ સિટી બનાવતા પહેલા પાણીના નિકાલની વ્યવસ્થા કેમ ન કરી?”

૩. રસ્તા પર અટવાયેલા લોકો માટે પોલીસ બની દેવદૂત
વેડ રોડ પર પાણી ભરાવાને કારણે નોકરીયાતો અને શાળાના બાળકો લાચાર બની ગયા હતા. આ કપરી સ્થિતિમાં સરથાણા પોલીસના પીએસઆઈ શીતલ અને તેમની ટીમે સ્થાનિક ટ્રેક્ટર તથા પીકઅપ વાહનોની વ્યવસ્થા કરી ફસાયેલા નાગરિકોને સુરક્ષિત ઘરો સુધી પહોંચાડ્યા હતા. આ ઉપરાંત, વરાછાની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને પણ પાલિકા દ્વારા તાત્કાલિક સલામત સ્થળે ખસેડાયા છે.

Surat Deluge: પશુઓની દયનીય સ્થિતિ: ૪૮ કલાકથી પાણીમાં ઊભા રહેવા મજબૂર
આકાશી આફતની અસર માત્ર મનુષ્યો પર જ નહીં પણ મૂંગા પશુઓ પર પણ પડી છે. પીપોદરા વિસ્તારમાં આવેલા તબેલાઓમાં ભારે પાણી ભરાઈ જતાં પશુઓ છેલ્લા ૪૮ કલાકથી સતત પાણીમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે તેમની હાલત અત્યંત દયનીય થઈ ગઈ છે.

Surat Deluge: “૨૫ વર્ષથી આ જ હાલાકી”: સુરતીઓનો તંત્ર પર ભારે આક્રોશ
૧૦ હજાર કરોડનું બજેટ પાણીમાં ગયું: સ્થાનિક રહીશ તુફેલ પટેલે જણાવ્યું કે, “માત્ર બે કલાકના વરસાદમાં હોડી બંગલાની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ૧૦ હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી મહાનગરપાલિકા પોતે જ વરસાદમાં ડૂબી ગઈ હોય તેવું લાગે છે.”
૨૫ વર્ષથી કોઈ કાયમી નિકાલ નથી: હેમલ તમાકુવાલા અને નીલમબેન (૧૭ વર્ષથી સ્થાનિક રહીશ) એ જણાવ્યું કે, “આ કોઈ નવી સમસ્યા નથી. અમે ૨૫ વર્ષથી દર ચોમાસે આ જ ભોગવીએ છીએ. ઘરોના બાથરૂમ-શૌચાલય સુધી પાણી આવી ગયા છે. બાળકોને શાળાએ લાવવા-મૂકવામાં આખી ગાડીઓ ડૂબી જાય એટલું પાણી છે.”
Surat Deluge: હવામાન વિભાગનું ‘રેડ એલર્ટ’
હજુ પણ હવામાન વિભાગ દ્વારા સુરત માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવનાને જોતાં સુરત મહાનગરપાલિકાનું ફ્લડ કંટ્રોલ વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
કેરળના વાયનાડમાં ફરી કુદરતનો પ્રકોપ, ટનલ પ્રોજેક્ટ પાસે ભારે ભૂસ્ખલન, ૨ના મોત અને અનેક દટાયાની આશંકા




