Gandhinagar Horror: પાટનગર ગાંધીનગરના પોર-કુડાસણ રોડ પરથી ગત ૩જી જુલાઈ, ૨૦૨૬ના રોજ મળી આવેલી ૨૫ વર્ષીય પરપ્રાંતીય યુવકની નગ્ન લાશના પ્રકરણમાં અડાલજ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. માત્ર એક નાનકડી બોલાચાલી અને માથાકૂટમાં કુડાસણના સાત શખસોએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. યુવકને નગ્ન કરી, દોરડાથી બાંધીને લાકડીઓ અને ધોકા વડે ઢોર માર મારી તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે સિક્યોરિટી ગાર્ડ સહિત ૭ શખસો સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Gandhinagar Horror: CCTVમાં કેદ થયો હત્યારાઓનો પીછો
પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મળ્યા હતા, જેમાં મારથી બચવા માટે ભાગી રહેલા આ અજાણ્યા યુવકનો પીછો કરતા આરોપીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફૂટેજના આધારે પોલીસે કડીઓ મેળવીને કુડાસણના ખારાવાળા વાસમાં રહેતા તરુણ ઠાકોરની કડકાઈથી પૂછપરછ કરતાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો.

Gandhinagar Horror: ઘટનાક્રમ: એક્ટિવા રોકવા જેવી નજીવી બાબતે વાત વણસી
પોલીસ સમક્ષ આરોપીએ કરેલી કબૂલાત મુજબ સમગ્ર ઘટના આ રીતે ઘટી હતી:
- નાસ્તાની પૂછપરછ અને ઝપાઝપી: ૩જી જુલાઈની મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ આરોપી તરુણ ઠાકોર, ઉજ્જવલ ઠાકોર અને પ્રકાશ ઠાકોર ભાટ સર્કલ પાસે નાસ્તો કરીને એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ‘સ્કૂલ ઓફ એચીવર’ પાસે ઉભેલા એક અજાણ્યા યુવકે (જે બિહારનો હોવાની આશંકા છે) તેમને રોકીને હિન્દીમાં નજીકમાં નાસ્તો ક્યાં મળશે તેમ પૂછ્યું હતું. અચાનક એક્ટિવા રોકવા બદલ ઉજ્જવલે ઠપકો આપતાં મામલો બિચક્યો હતો અને ઝપાઝપી શરૂ થઈ હતી.
- શાળામાં ઘૂસીને લાકડીઓથી માર માર્યો: આ દરમિયાન ગામના અન્ય બે શખસો કૃપેશ ઠાકોર અને નિતેશ ઉર્ફે ગગો ઠાકોર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. મારથી બચવા માટે યુવક દોડીને ‘સ્કૂલ ઓફ એચીવર’ની અંદર ઘૂસી ગયો હતો. જોકે, નરાધમોએ તેને શાળાની અંદરથી શોધી કાઢ્યો હતો અને લાકડીઓ વડે બેરહેમીથી માર મારતા મારતા સ્કૂલની બહાર લાવ્યા હતા.
Gandhinagar Horror: બુલેટ પર અપહરણ કરીને મંદિરે લઈ ગયા, જ્યાં સિક્યોરિટી ગાર્ડ પણ જોડાયો
ત્યારબાદ કુડાસણનો મૌલિક હપાણી નામનો શખસ બુલેટ લઈને ત્યાં આવ્યો હતો. નિતેશ અને મૌલિકે ભેગા મળીને લોહીલુહાણ યુવકને બુલેટ પર બેસાડી તેનું અપહરણ કર્યું હતું, જ્યારે કૃપેશ એક્ટિવા લઈને પાછળ ગયો હતો.
મંદિરે આચરાઈ નૃશંસતા: આરોપીઓ યુવકને પોર ગામ પાસે બેવર્લી સાઈટથી ૫૦૦ મીટર દૂર આવેલા બળીયાદેવના મંદિરે લઈ ગયા હતા. ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ નરસિંહ પટેલને આરોપીઓએ એમ કહ્યું કે આ યુવક ‘ચોર’ છે. આ સાંભળીને સિક્યોરિટી ગાર્ડે પણ પિત્તો ગુમાવ્યો હતો. સાતેય જણાએ ભેગા મળીને યુવકને તદ્દન નગ્ન કરી નાખ્યો હતો અને દોરડાથી બાંધીને વારાફરતી ધોકા વડે અધમૂઓ થાય ત્યાં સુધી ઢોર માર માર્યો હતો, જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું.
Gandhinagar Horror: લાશ સાઈટ પર ફેંકીને કપડાં છુપાવી દીધા
યુવકનું મોત થતાં જ આરોપીઓ ગભરાઈ ગયા હતા અને લાશને સગેવગે કરવા માટે તેને એક્ટિવા પર વચ્ચે બેસાડી પોર-સરગાસણ રોડ પર આવેલી બેવર્લી સાઈટની સામે ફેંકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બળીયાદેવના મંદિર પાસેથી મૃતકના કપડાં અને અન્ય પુરાવા કબજે કર્યા છે.
Gandhinagar Horror: મૃતકની ઓળખ હજુ બાકી
અડાલજ પોલીસે જણાવ્યું છે કે, પેનલ ડોક્ટરો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ હત્યાનો ગુનો નોંધાયો છે. મૃતક યુવકની હજુ સુધી સત્તાવાર ઓળખ થઈ શકી નથી, પરંતુ તે પરપ્રાંતીય (બિહાર બાજુનો) હોવાનું અનુમાન છે. તમામ સાતેય આરોપીઓ વિરૂદ્ધ અપહરણ, રાયોટિંગ અને હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




