Surat Crime Update: હીરાનગરી સુરતમાં કિંમતી મોબાઇલ ફોનની ચોરી અને ખિસ્સા કાતરુ ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ અને ચોક્કસ બાતમીના આધારે મોબાઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલા ૩ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર (જુવેનાઈલ) નો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ આ ગેંગ ભીડભાડવાળા વિસ્તારમાં નજર ચૂકવીને ચોરી કરવા માટે કરતી હતી. આ ધરપકડ સાથે જ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

Surat Crime Update: ચોકબજાર પાસેથી દબોચી લેવાયા, ૩ કિંમતી મોબાઇલ રિકવર
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોબાઇલ ચોરી કરતી ગેંગ ચોકબજાર વિસ્તારમાં ફરી રહી છે. જેના આધારે પોલીસે ચોકબજાર ગાંધીબાગ પાસે આવેલી ક્વોલિટી રેસ્ટોરન્ટ નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં ફરતા આરોપીઓને કોર્ડન કરી ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા આરોપીઓની તલાશી લેવામાં આવતા તેમની પાસેથી અલગ-અલગ બ્રાન્ડના કુલ ૩ મોંઘા દાટ ચોરાયેલા મોબાઇલ ફોન મળી આવ્યા હતા, જે પોલીસે કાયદેસર રીતે જપ્ત કર્યા છે.

Surat Crime Update: કયા-કયા વિસ્તારોમાંથી ચોરી કર્યાની કબૂલાત?
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સુરતના ધમધમતા ટેક્સટાઇલ માર્કેટ અને ભીડભાડવાળા વિસ્તારોને ટાર્ગેટ કર્યા હોવાની કબૂલાત કરી છે. રિકવર કરાયેલા ફોનની વિગત નીચે મુજબ છે:
- રીંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ: અહીં ખરીદી કે કામ અર્થે આવેલા નાગરિકની નજર ચૂકવીને ચોરી કરાયેલો Realme P4 મોબાઇલ ફોન રિકવર કરાયો છે. આ ચોરી અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
- લાલગેટ વિસ્તાર: લાલગેટ HDFC બેંક નજીકથી આ ગેંગે Samsung F23 મોડેલનો મોબાઇલ ચોર્યો હતો, જે પોલીસે શોધી કાઢ્યો છે.
- શંકાસ્પદ મુદ્દામાલ: આરોપીઓ પાસેથી અન્ય એક Samsung A15 મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. આ ફોન કોનો છે અને ક્યાંથી ચોરવામાં આવ્યો છે તે અંગે પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
Surat Crime Update: અન્ય ગુનાઓના ભેદ ઉકેલાવવાની શક્યતા
સુરત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રીંગરોડ અને સલાબતપુરા જેવા ટેક્સટાઇલ માર્કેટના વિસ્તારોમાં રોજ હજારો વેપારીઓ અને ગ્રાહકોની અવરજવર રહેતી હોય છે. આ ગેંગ લાંબા સમયથી આવા વિસ્તારોમાં સક્રિય હતી. પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેથી શહેરમાં બનેલી અન્ય મોબાઇલ ચોરી કે ચીલઝડપની ઘટનાઓનો ભેદ પણ ઉકેલાઈ શકે છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની જેલભેગા કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગાંધીનગર હાઈવે પર ભયાનક અકસ્માત: ગિફ્ટ સિટી બ્રિજ પાસે કાર પલ્ટી મારી, ચાલકનો ચમત્કારિક બચાવ




