Saphala Ekadashi :15 ડિસેમ્બર, સોમવારે સફલા એકાદશી મનાવવામાં આવશે. પોષ માસની કૃષ્ણ પક્ષની આ એકાદશીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ એકાદશી જીવનના તમામ કાર્યોમાં સફળતા અપાવે છે, એટલા માટે તેને ‘સફલા એકાદશી’ કહેવામાં આવે છે. ભક્તો પોતાની સફળતા, સુખ-સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ માટે આ દિવસે ઉપવાસ અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરે છે.

Saphala Ekadashi : જ્યોતિષાચાર્ય ના જણાવ્યા અનુસાર,
એકાદશી વ્રત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું માનવામાં આવ્યું છે. આ દિવસે વ્રત રાખવાથી મનને શાંતિ મળે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને પાપોનો નાશ થાય છે. સફલા એકાદશીના દિવસે ગંગા, યમુના, શિપ્રા અને નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. જો નદી સ્નાન શક્ય ન હોય તો ઘરમાં પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે.
Saphala Ekadashi :સફલા એકાદશીનું મહત્ત્વ તેની પ્રખ્યાત કથા
રાજા મહિષ્માનના પુત્ર લુંભકની કથા અનુસાર, લુંભક દુર્વ્યસની અને પાપી હતો. તેના વર્તનથી નારાજ થઈ પિતાએ તેને રાજ્યમાંથી હાંકી કાઢ્યો. વનમાં ભટકતા તે પોષ કૃષ્ણ એકાદશીના દિવસે ભૂખ અને તરસથી બેહાલ થઈ ઝાડ નીચે પડી ગયો. તે દિવસ અજાણતાં ઉપવાસમાં પસાર થયો. આ એકાદશી વ્રતના પ્રભાવથી તેના પાપો નષ્ટ થયા અને તે સંપૂર્ણ રીતે પરિવર્તિત થયો. બાદમાં પિતાએ તેને ફરી રાજ્ય સોંપ્યું અને અંતે લુંભકને મોક્ષની પ્રાપ્તિ થઈ.

Saphala Ekadashi :વ્રત કરવાની વિધિ
સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુનો પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ તુલસી, ચંદન, ધૂપ-દીપ, નૈવેદ્ય, ફળ અને ફૂલ અર્પણ કરી આરતી કરવી જોઈએ.
વ્રત કરનાર ભક્તોએ દ્વાદશી તિથિએ વ્રતનું પારણ કરવું જોઈએ. આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અને અન્ન, વસ્ત્ર તથા તલનું દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે.
માન્યતા અનુસાર, સફલા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રતથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે, પરિવારમાં સુખ-શાંતિ આવે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




