Reckless Driving at MSU: વડોદરાની શાન ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) કેમ્પસમાં બેફામ કાર હંકારીને જોખમી સ્ટંટ કરનારા એક યુવકને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને કડક કાર્યવાહી હાથ ધરી હતી.
Reckless Driving at MSU: વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં
મળતી માહિતી મુજબ, ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો જોરદાર વાયરલ થયો હતો, જેમાં એક યુવક MSU કેમ્પસ પરિસરમાં અન્ય લોકો અને વિદ્યાર્થીઓની જિંદગી જોખમાય તે રીતે બેફિકરાઈ અને ગફલતભરી રીતે કાર દોડાવી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ વિડીયો વડોદરા પોલીસના ધ્યાને આવતા જ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સયાજીગંજ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી.
Reckless Driving at MSU: MSU નજીકથી જ આરોપી કાર સાથે ઝડપાયો
પોલીસે માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સયાજીગંજ પોલીસે સચોટ બાતમીના આધારે MSU નજીકથી જ સ્ટંટબાજ યુવકને તેની કાર સાથે દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીની ઓળખ કરણ નરોત્તમભાઈ ભાભોર તરીકે થઈ છે, જે શહેરના સંજયનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે.
Reckless Driving at MSU: પોલીસે મંગાવી માફી, કાયદાનું ભાન કરાવ્યું
જાહેરમાં જોખમી સ્ટંટ કરીને લોકો પર રોફ જમાવવાનો પ્રયાસ કરનાર કરણ ભાભોરની ધરપકડ કર્યા બાદ પોલીસે તેની પાસે જાહેરમાં માફી મંગાવી હતી. સયાજીગંજ પોલીસે સ્ટંટબાજને કાયદાના પાઠ ભણાવી સ્પષ્ટ ચેતવણી આપી છે કે રસ્તાઓ કે શૈક્ષણિક સંકુલોમાં આ પ્રકારની કાયદો હાથમાં લેવાની કે જોખમી સ્ટંટ કરવાની પ્રવૃત્તિ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રામ મંદિરમાં વધુ એક વિવાદ: સિંધી સમાજે દાનમાં આપેલી 200 કિલો ચાંદી ગાયબ હોવાનો સનસનીખેજ આરોપ!




