RR Cable ગ્રૂપ પર ITના દરોડા: વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ સ્થળો પર દરોડા

0
432
RR Cable ગ્રૂપ પર ITના દરોડા
RR Cable ગ્રૂપ પર ITના દરોડા

વડોદરા : વાઘોડિયા GIDCમાં આવેલી વાયર-કબેલનું ઉત્પાદન કરતી જાણીતી RR Cable ગ્રૂપ પર IT એ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર IT વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ઉપર ગયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓને કંપનીના ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે IT ના 15 જેટલા અધિકારીઓની ટીમ ત્રાટકી હોવાનું જાણવા મળ્યું હતું. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળુંનાણું મળી આવે તેવી શક્યતાઓ સેવાય રહી છે.

4 ગાડીઓ સહીત 15 જેટલા અધિકારીઓની ટીમ પહોંચી:

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલા વાઘોડિયા ખાતે RR Cable કંપની આવેલી છે. આ કંપનીમાં અંદાજે 1 હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. વહેલી સવારે 4 ગાડીઓમાં 15 જેટલા આઈટી અધિકારીઓની ટીમ કંપનીમાં પહોંચી હતી અને કંપનીની ઓફિસો ઉપર તપાસ શરૂ કરી હતી.  અન્ય ટીમે વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ ખાતે આવેલ કંપનીની હેડ ઓફિસમાં પણ દરોડા પાડી તપાસ શરૂ કરી હતી.

raid

વાંધાજનક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા:

IT ની ટીમ દ્વારા કંપનીની ઓફિસોમાંથી કંપનીમાં થતાં ઉત્પાદન-વેચાણ અંગેના ડેટા કબજે કર્યા હતા. ઉપરાંત આઈટી વિભાગ દ્વારા કાચા રો-મટિરિયલને લગતા પણ ડેટા મેળવ્યા હતા. આ સાથે કંપની દ્વારા ઓફિસના ઇન્ચાર્જ અધિકારીઓ પાસેથી બેંક એકાઉન્ટોની પણ માહિતી મેળવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું. આઈટી વિભાગ દ્વારા કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઓફિસ સ્ટાફના મોબાઈલ ફોન જપ્ત કરાયા :

સવારની ફર્સ્ટ શિફ્ટમાં પહોંચેલા ઓફિસ સ્ટાફના કર્મચારીઓને કંપનીના ગેટ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. અડધો કલાક સુધી કંપનીના ગેટ પાસે રોકી દેવાયેલા ઓફિસ સ્ટાફના 40 જેટલા કર્મચારીઓના મોબાઈલ ફોન જપ્ત કરીને તેઓને એક પછી એક કંપનીના ઓડિટોરિયમમાં બેસાડવામાં આવ્યા હતા.

ગણેશોત્સવ-નવરાત્રિ મહોત્સવમાં સ્પોન્સરશિપ આપી હતી:

RR Cable કંપની દ્વારા ગત ગણેશોત્સવ તેમજ નવરાત્રિ મહોત્સવમાં વડોદરામાં સ્પોન્સરશિપ આપવામાં આવી હતી. ઉપરાંત આ કંપની દ્વારા વડોદરા શહેર-જિલ્લાના પોલીસ મથકો તેમજ સરકારી ઈમારતો અને સોસાયટીઓમાં RR Cable ના બોર્ડને સ્પોન્સર કરવામાં આવેલા છે.