વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના પ્રવાસે જશે
UAEના રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત
15 જુલાઈએ વડાપ્રધાન UAEના પ્રવાસે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ 15 જુલાઈએ અબુધાબી જશે. આ દરમિયાન તેઓ અબુ ધાબીના શાસક અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે. PM મોદીની UAE મુલાકાતને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ‘ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. આવી સ્થિતિમાં, વડા પ્રધાનની આગામી મુલાકાત ઊર્જા, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ખાદ્ય સુરક્ષા, ફિનટેક, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવાનું કામ કરશે.
પીએમ મોદી બેસ્ટિલ ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર બનશે
રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર પીએમ નરેન્દ્ર મોદી 13 જુલાઈના રોજ ફ્રાંસની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ 14 જુલાઈએ પેરિસમાં આયોજિત બેસ્ટિલ-ડે પરેડમાં અતિથિ વિશેષ હશે. આ પરેડમાં યોજાનારી ત્રિ-સેવાઓમાં ભારતીય સશસ્ત્ર દળોની ટુકડી પણ ભાગ લેશે.
પીએમ મોદી ફ્રાન્સના વડાપ્રધાનને મળશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ મેક્રોન વડાપ્રધાન મોદીના સન્માનમાં રાજ્ય ભોજન સમારંભ તેમજ ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે. આ સિવાય બંને નેતાઓ વ્યાપક ચર્ચા પણ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદી દેશની સેનેટ અને નેશનલ એસેમ્બલીના પ્રમુખોને પણ મળશે.
વડાપ્રધાન ભારતીય પ્રવાસીઓને પણ મળશે
વિદેશ મંત્રાલયે કહ્યું, “વડાપ્રધાનની મુલાકાત ભવિષ્યમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક ભાગીદારીની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.” વિદેશ મંત્રાલયે કહ્યું કે વડા પ્રધાન ફ્રાન્સમાં રહેતા ભારતીય પ્રવાસીઓ, ભારતીય અને ફ્રેન્ચ કંપનીઓના સીઈઓ અને અગ્રણી ફ્રેન્ચ હસ્તીઓ સાથે વાતચીત કરશે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ