Palaj Dairy Milk Fraud: શ્વેતક્રાંતિની ભૂમિ ગણાતા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધમાં ભેળસેળ થતી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મંડળીના જ ચાર સભાસદો દ્વારા ભેળસેળવાળું દૂધ ભરવામાં આવતું હોવાનો ભાંડો ફૂટતાં જ અન્ય સભાસદોએ મંડળીની કચેરીએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઉત્તેજનાપૂર્ણ માહોલને શાંત પાડવા માટે આખરે પોલીસની મદદ લેવી પડી હતી.

Palaj Dairy Milk Fraud: ‘અમૂલ’ની ઓચિંતી તપાસમાં ફૂટ્યો ભાંડો
મળતી માહિતી મુજબ, એશિયાની સૌથી મોટી ડેરી ‘અમૂલ’ (Amul) ની ઓફિશિયલ ટીમ દ્વારા પાળજ ગામની દૂધ મંડળીમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી ટેસ્ટિંગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે મંડળીમાં ભરાતું દૂધ ‘અસામાન્ય’ એટલે કે ભેળસેળયુક્ત હતું. અમૂલ ડેરીએ આ અંગેનો રિપોર્ટ આપી પાળજ દૂધ મંડળીને તુરંત જાણ કરી હતી.

Palaj Dairy Milk Fraud: ભેળસેળ કરનાર 4 સભાસદોના નામ ખૂલ્યા
અમૂલના રિપોર્ટના આધારે દૂધમાં ભેળસેળ કરનારા ગામના જ ચાર સભાસદોના નામ સામે આવ્યા છે:
- જયેશભાઈ રજનીભાઈ પરમાર
- રાજુભાઈ વિઠ્ઠલભાઈ પરમાર
- અનિતાબેન સંજયભાઈ પરમાર
- વિમળાબેન ગોવિંદભાઈ પરમાર

Palaj Dairy Milk Fraud: સભાસદો આકરા પાણીએ: ‘નહીં ભરીએ દૂધ!’
આ કૌભાંડ બહાર આવતા જ પ્રામાણિકતાથી દૂધ ભરતા અન્ય પશુપાલકો અને સભાસદો ભારે આક્રોશમાં આવી ગયા હતા. ડેરીની બહાર ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સભાસદોએ ઉગ્ર માંગ કરી હતી કે ભેળસેળવાળું દૂધ ભરીને મંડળી અને ગામનું નામ બદનામ કરનારા આ ચારેય શખ્સોને તાત્કાલિક અસરે સભાસદ પદેથી દૂર કરવામાં આવે. રોષે ભરાયેલા પશુપાલકોએ ત્યાં સુધી ચીમકી આપી દીધી હતી કે, “જ્યાં સુધી આ ચાર સભાસદો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પશુપાલક મંડળીમાં દૂધ નહીં ભરે.”
સ્થિતિ વધુ વણસતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
Palaj Dairy Milk Fraud: મંડળીના સેક્રેટરીનો ખુલાસો: કડક પગલાં લેવાશે
આ ગંભીર પરિસ્થિતિ અંગે પાળજ દૂધ મંડળીના સેક્રેટરીએ સભાસદોને શાંત પાડતા સત્તાવાર ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જે ચાર સભાસદોનું દૂધ અસામાન્ય અને ભેળસેળવાળું જણાયું છે, તેમનું દૂધ મંડળીમાં સ્વીકારવાનું તાત્કાલિક અસરે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમના કેન (કેન નંબર/દૂધના વાસણ) પણ જપ્ત કરી લેવાયા છે. આગામી સમયમાં આ ચારેય વ્યક્તિઓને સભાસદ પદેથી કાયમ માટે મુક્ત કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મંડળીના સભાસદ મનુભાઈ પરમારે પણ આ અંગે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ગ્રાહકોના સ્વાસ્થ્ય અને મંડળીની વિશ્વસનીયતા સાથે ચેડા કરનારા તત્વો સામે દાખલારૂપ પગલાં જરૂરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




