Brutal Murder in Nandasan: મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાજપુરની સીમમાં સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. રેમ્બો કંપનીમાં સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ ધરાવતા અને મૂળ રાજસ્થાનના વતની તથા હાલ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા રાધેશ્યામ શર્માની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, જૂની અદાવતને કારણે આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ, રાધેશ્યામ શર્મા પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે એક પિકઅપ ડાલા દ્વારા તેમની કારને ટક્કર મારવામાં આવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રાધેશ્યામભાઈને કાર રોકવી પડી હતી. આ દરમિયાન પાછળથી રિક્ષામાં આવેલા કેટલાક શખસો કાર પાસે પહોંચ્યા હતા અને રાધેશ્યામ શર્મા પર હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન રાધેશ્યામ શર્માના માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Brutal Murder in Nandasan:ચોરીની ઘટનાને લઈને જૂની અદાવત હોવાની આશંકા

પોલીસ ફરિયાદ અને પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, અગાઉ રેમ્બો કંપનીમાં ચોરી કરવાના પ્રયાસને લઈને મોહસિન કુરેશી નામના શખસ સાથે રાધેશ્યામ શર્માની તકરાર થઈ હતી. આ ઘટનાને લઈને મનદુઃખ ચાલતું હતું અને આ જૂની અદાવતના કારણે જ હત્યા કરવામાં આવી હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બનાવની જાણ થતાં મહેસાણા જિલ્લા પોલીસ અધિકારીઓ સહિત કડી ડિવિઝનના DySP હાર્દિક પ્રજાપતિ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાથે જ એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરીને પોલીસે તપાસ શરૂ કરી છે.
Brutal Murder in Nandasan: ચાર નામજોગ સહિત અજાણ્યા શખસો સામે ગુનો

આ મામલે નંદાસણ પોલીસે ફરિયાદના આધારે ઇરફાન મિયાં ચૌહાણ, યુનુસ ઉર્ફે ચીખલી, મોઇન કુરેશી અને મોહસિન કુરેશી સહિત ચાર નામજોગ આરોપીઓ તથા અન્ય 2થી 3 અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
હત્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી અને એસઓજીની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ સાથે ઘટનાના અન્ય પાસાઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પિકઅપ ડાલાથી કારને ટક્કર મારવાથી લઈને રિક્ષામાં આવેલા શખસો દ્વારા કરવામાં આવેલા હુમલા સુધીની સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જૂની અદાવતમાંથી હત્યા થઈ હોવાની થિયરી હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ભૂમિકા અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવશે.
આ પણ વાંચો :NTAના ત્રણ વિષય નિષ્ણાતો પર જ પેપર લીક કરવાનો આરોપ, CBI ચાર્જશીટમાં મોટો ખુલાસો