Nepal Flood Disaster: નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ તબાહીનું દ્રશ્ય હજુ યથાવત છે. ૨૯ ઓગસ્ટના તાજા અહેવાલો મુજબ દેશમાં અત્યાર સુધીમાં 579 લોકોનાં મોત થયા છે, જ્યારે 1,924 લોકો હજુ લાપતા છે. બચાવ અને શોધખોળ કામગીરી સતત ચાલી રહી છે, પરંતુ મુશ્કેલ ભૂપ્રદેશ, નદીના વધતા જળસ્તર અને હવામાનની સ્થિતિ રેસ્ક્યુ ટીમો માટે મોટો પડકાર બની રહી છે.
Nepal Flood Disaster: ત્રિશૂલી અને ભોટેકોશી વિસ્તારમાં જોખમ યથાવત

આ વિનાશક પૂર બાદ ત્રિશૂલી અને ભોટેકોશી નદી પ્રણાલીમાં પાણીના પ્રવાહે ભારે નુકસાન કર્યું છે. અનેક વિસ્તારોમાં રસ્તા, પુલ, મકાનો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટને નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ પહોંચવું મુશ્કેલ હોવાથી રેસ્ક્યુ ટીમોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાથે જ હિમાલય વિસ્તારમાં બનેલા નવા જળસંગ્રહને લઈને પણ વધુ પૂરનો ખતરો વ્યક્ત કરવામાં આવ્યો છે. જેના કારણે અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
Nepal Flood Disaster: રેસ્ક્યુ ઓપરેશનમાં હવામાન બન્યું પડકાર
ભારે વરસાદ અને મુશ્કેલ હવામાનને કારણે બચાવ કામગીરીને અસર થઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં હેલિકોપ્ટર ઓપરેશન પણ પડકારજનક બન્યું છે. તેમ છતાં નેપાળની સેના, પોલીસ અને અન્ય બચાવ ટીમો નદી કાંઠા, કાટમાળ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિસ્તારોમાં લાપતા લોકોને શોધી રહી છે. હજારો લોકોને અત્યાર સુધી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
Nepal Flood Disaster: ભારતે મદદ વધુ તેજ કરી
નેપાળની મુશ્કેલી વચ્ચે ભારતે રાહત અને માનવીય સહાય વધુ તેજ કરી છે. તાજા અહેવાલ મુજબ ભારતીય વાયુસેનાના વિમાન મારફતે વધુ 10 ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી છે. તેમાં જરૂરી માનવીય સહાય સામગ્રીનો સમાવેશ થાય છે. ભારત અગાઉ પણ રાહત સામગ્રી મોકલી ચૂક્યું છે અને તબીબી તથા રેસ્ક્યુ સહાય માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.
Nepal Flood Disaster: ભારતીય નાગરિકોને લઈને પણ ચિંતા

નેપાળની આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો પણ અસરગ્રસ્ત થયા છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ 320 ભારતીયો હજુ લાપતા અથવા સંપર્કવિહોણા હોવાનું તાજા અહેવાલોમાં જણાવાયું છે. બીજી તરફ અનેક ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
Nepal Flood Disaster: મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા
નેપાળમાં અનેક વિસ્તારોમાં કાટમાળ અને કાદવની નીચે લોકો ફસાયેલા હોવાની આશંકા છે. તેથી જેમ જેમ બચાવ ટીમો વધુ અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચશે તેમ મૃત્યુઆંક અને લાપતા લોકોના આંકડામાં ફેરફાર થઈ શકે છે. હાલ સરકાર અને સુરક્ષા એજન્સીઓનું મુખ્ય ધ્યાન લાપતા લોકોને શોધવા અને અસરગ્રસ્તોને રાહત પહોંચાડવા પર છે.
નેપાળ માટે આ આપત્તિ માત્ર પૂર સુધી મર્યાદિત નથી રહી; ભૂસ્ખલન, વધતા નદીપ્રવાહ અને નવા પૂરનો ભય રાહત કામગીરીને વધુ મુશ્કેલ બનાવી રહ્યો છે. આગામી કલાકો અને દિવસોમાં હવામાન અને નદીના જળસ્તરની સ્થિતિ પર સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનની દિશા નિર્ભર રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘બફર સ્ટોકની ડુંગળી સડી રહી છે’ વાત ખોટી! કેન્દ્ર સરકારે આપી સ્પષ્ટતા

