ભુજ/અમદાવાદ:
Mega Drug Bust off Gujarat Coast: ગુજરાતનો દરિયા કિનારો ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓના નિશાને આવ્યો છે, પરંતુ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે (Indian Coast Guard) એક સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કચ્છના મુંદ્રા પોર્ટ તરફ આવી રહેલા એક જહાજમાંથી આશરે ₹1180 કરોડની કિંમતનું 118 કિલો હાઈ-ક્વોલિટી કોકેઈન ઝડપી પાડવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Mega Drug Bust off Gujarat Coast: બ્રાઝિલથી લોડ થયું હતું ડ્રગ્સ, દિલ્હીમાં થવાની હતી ડિલિવરી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોકેઈનનો આ જંગી જથ્થો બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યો હતો. જહાજ જ્યારે મુંદ્રા નજીક પહોંચ્યું ત્યારે આ જથ્થાને એક નાની બોટ મારફતે દરિયાકાંઠે ઉતારવાની તૈયારી ચાલી રહી હતી. ત્યાંથી આ ડ્રગ્સ દેશના પાટનગર દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા વિદેશી નાગરિકો સુધી પહોંચાડવાનું મોટું ષડયંત્ર હતું.
Mega Drug Bust off Gujarat Coast: સેટેલાઈટ ફોન સાથે 3 આરોપીઓ ઝડપાયા, એક દરિયામાં કૂદ્યો

ATS અને કોસ્ટ ગાર્ડની ટીમે જ્યારે દરિયામાં જહાજ પર દરોડો પાડ્યો ત્યારે ડ્રગ્સના જથ્થા સાથે હાજર આરોપીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી અને દિલ્હીથી મળી કુલ 3 શખસોની અટકાયત કરી છે:
- જુમા નાસીર ઓમાર (બોટમાંથી રંગેહાથ ઝડપાયો)
- કેલ્વિન ચુકવામા (દિલ્હીથી પકડાયેલો વિદેશી નાગરિક)
- બ્યારુહંગા જેમ્સ (દિલ્હીથી પકડાયેલો વિદેશી નાગરિક)
મોટી શોધખોળ: રેડ દરમિયાન એક આરોપી પોતાની જાતને બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યો હતો, જેને શોધવા માટે કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી એક પ્રતિબંધિત સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે, જેના આધારે તેમના આંતરરાષ્ટ્રીય સંપર્કોની તપાસ થઈ રહી છે.
Mega Drug Bust off Gujarat Coast: ₹320 કરોડનું ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધાની આશંકા!

સૂત્રોના જણાવ્યા અનુસાર, ATS પાસે દરિયામાં 150 કિલો ડ્રગ્સ આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી હતી. પરંતુ ઓપરેશન દરમિયાન માત્ર 118 કિલો જથ્થો જ હાથ લાગ્યો છે. એજન્સીઓને આશંકા છે કે એજન્સીઓની રેડ જોઈને ડ્રગ માફિયાઓએ આશરે 32 કિલો (જેની કિંમત આશરે ₹320 કરોડ થાય) ડ્રગ્સનું એક આખું પેકેટ દરિયામાં ફેંકી દીધું છે. આ ગુમ થયેલા પેકેટને શોધવા માટે પણ દરિયામાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.
નશાના આ આંતરરાષ્ટ્રીય કારોબારના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે અને ભારતમાં આ નેટવર્ક કોણ ચલાવી રહ્યું હતું, તે દિશામાં ગુજરાત ATSએ ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં મધરાતે હચમચાવનારી લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, માર મારી કાર અને રોકડ લૂંટી 4 શખ્સો ફરાર




