Midnight Terror in Ahmedabad: અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે ગુનેગારો બેફામ બન્યા હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના આનંદનગર પોલીસ મથક હદ વિસ્તારમાં રાત્રિ દરમિયાન કેબ ચલાવતા એક નિર્દોષ ડ્રાઈવરને ચાર અજાણ્યા શખ્સોએ બંધક બનાવી, ગળા પર છરી મૂકી ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ કાર તેમજ રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

Midnight Terror in Ahmedabad: રેપિડો એપ પર બુકિંગ મેળવીને પહોંચ્યો હતો ડ્રાઈવર
રામોલ વિસ્તારમાં રહેતા રજનીકાંત રાવળ નામના કેબ ડ્રાઈવર રાત્રે પેસેન્જરને ડ્રોપ કરીને પ્રહલાદનગર વિસ્તારમાં ઉભા હતા. રાત્રે આશરે ૨:૦૦ વાગ્યાની આસપાસ તેમને રેપિડો (Rapido) એપ્લિકેશન પર મકરબા ફાટક નજીકથી એક બુકિંગ મળ્યું હતું. રાતનો સમય હોવાથી સારી કમાણીની આશાએ રજનીકાંત લોકેશન પર પહોંચ્યા હતા, જ્યાંથી ઔડાના મકાનો તરફ જવા માટે ચાર અજાણ્યા યુવકો તેમની કારમાં સવાર થયા હતા.
Midnight Terror in Ahmedabad: લઘુશંકાના બહાને કાર ઊભી રખાવી ગળા પર છરી ઝીંકી દીધી
કાર જ્યારે શહેરના કોલાહલથી દૂર એક અવાવરું અને ઘાઢ અંધારાવાળા રસ્તા પર પહોંચી, ત્યારે પ્લાન મુજબ એક પેસેન્જરે લઘુશંકા કરવાના બહાને કાર સાઈડમાં ઊભી રખાવી હતી. કાર ઊભી રહેતાની સાથે જ પાછળ બેઠેલા શખ્સે અચાનક ડ્રાઈવર રજનીકાંતના ગળા પર તીક્ષ્ણ છરી મૂકી દીધી હતી અને બાજુવાળા શખ્સે તેમને બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું.
લૂંટારૂઓએ રજનીકાંતને ડ્રાઈવર સીટ પરથી ખેંચીને પાછળની સીટમાં બે આરોપીઓની વચ્ચે બંધક બનાવી દીધા હતા અને એક આરોપી પોતે સ્ટેયરિંગ વ્હીલ સંભાળીને કાર હંકારવા લાગ્યો હતો.
Midnight Terror in Ahmedabad: ઓનલાઈન ₹2,000 ટ્રાન્સફર કર્યા, મિત્ર પાસે ₹1 લાખ મંગાવવા દબાણ કર્યું
કાર પર કબજો મેળવ્યા બાદ લૂંટારૂઓએ આતંક મચાવ્યો હતો:
- ઓનલાઈન લૂંટ: આરોપીઓએ ડ્રાઈવરનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ₹2,000 ટ્રાન્સફર કરી લીધા હતા.
- દાગીનાની લૂંટ: રજનીકાંતના ગળામાંથી ચાંદીની ચેઈન પણ તોડી લીધી હતી.
- ₹1 લાખની ખંડણીની માંગ: આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને રજનીકાંતને તેના મિત્ર પાસે ₹1 લાખ મંગાવવા દબાણ કર્યું. ડ્રાઈવરે અડધી રાતે મિત્રને ફોન કર્યો, પરંતુ મિત્રએ તેને મજાક સમજીને પૈસા ન મોકલતા ઉશ્કેરાયેલા બદમાશોએ રજનીકાંતને કારમાં જ ઢોર માર માર્યો હતો.
Midnight Terror in Ahmedabad: કેનાલ રોડ પર ફેંકીને કાર લઈ નાસી છૂટ્યા, પોલીસે શરૂ કરી તપાસ
અંતે કોઈ મોટી રોકડ રકમ હાથ ન લાગતા, ચારેય લૂંટારૂઓ કારને કેનાલ તરફ લઈ ગયા હતા અને રજનીકાંતને ચાલુ કારે રસ્તા પર ફેંકી દીધા હતા. જતાં-જતાં આરોપીઓએ ધમકી આપી હતી કે, “જો પોલીસમાં ફરિયાદ કરી તો આખા પરિવારને જાનથી મારી નાખીશું.” આરોપીઓ ₹5 લાખથી વધુની કિંમતની કાર, રોકડ અને અગત્યના દસ્તાવેજો લૂંટીને રફુચક્કર થઈ ગયા હતા.
આનંદનગર પોલીસ એક્શનમાં: ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરે કોઈક રીતે નજીકના સર્વિસ રોડ પર આવેલા એક ગેરેજના માલિકને જગાડ્યો હતો અને તેના ફોનથી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ આનંદનગર પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ લૂંટ અને ધાડનો ગુનો નોંધી, વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ ફંગોળીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




