King Khan’s Mega Project: બોલિવૂડના ‘બાદશાહ’ અને આઈપીએલ (IPL) ની વિજેતા ટીમ ‘કોલકાતા નાઈટ રાઈડર્સ’ (KKR) ના સહ-માલિક શાહરૂખ ખાને બિઝનેસ અને રમત-જગતમાં વધુ એક મોટું સિદ્ધિનું છોગું ઉમેર્યું છે. શાહરૂખ ખાને અમેરિકાના લોસ એન્જલસ (LA) માં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’ (Knight Riders Cricket Ground) નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ ઐતિહાસિક ક્ષણની વિગતો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા કિંગ ખાને ખુશી વ્યક્ત કરી છે.

King Khan’s Mega Project: ‘જે એક સપનું હતું, તે આજે હકીકત બની ગયું’
આ નવું અને ભવ્ય સ્ટેડિયમ કેલિફોર્નિયાના લોસ એન્જલસ કાઉન્ટીના પોમોના શહેરમાં આવેલા ‘ફેરપ્લેક્સ’ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. આ મેદાન અમેરિકાની ‘મેજર લીગ ક્રિકેટ’ (MLC) માં શાહરૂખ ખાનની ફ્રેન્ચાઈઝી ‘લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ’ (LAKR) નું હોમ ગ્રાઉન્ડ (ઘરઆંગણાનું મેદાન) રહેશે. આ આખી ઇમારત અને ગ્રાઉન્ડને માત્ર ૧૦૦ દિવસના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે.
સ્ટેડિયમના ઉદ્ઘાટન બાદ શાહરૂખ ખાને ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખતા જણાવ્યું કે, “જે એક સપનું હતું, તે આજે હકીકત બની ગયું છે. લોસ એન્જલસના નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપ સૌનું સ્વાગત છે. આ મેદાન માત્ર ક્રિકેટ રમત માટે જ નહીં, પરંતુ અદભુત મનોરંજન, પરિવારો અને યાદગાર પળો સાચવવા માટે બનાવવામાં આવ્યું છે.” આ સાથે જ તેણે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સહયોગ આપવા બદલ આઈસીસી (ICC) ના ચેરમેન જય શાહ અને સીઈઓ સંજોગ ગુપ્તાનો ખાસ આભાર માન્યો હતો.

King Khan’s Mega Project: ઉદ્ઘાટનના વીડિયોમાં પાકિસ્તાની મૂળનો ક્રિકેટર ચમક્યો
શાહરૂખ ખાને શેર કરેલા પ્રમોશનલ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણ જગાવ્યું છે. આ વીડિયોમાં અમેરિકાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અલી ખાન જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અલી ખાનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે યુએસએ (USA) ની રાષ્ટ્રીય ટીમ તરફથી રમે છે અને MLC માં તે લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ ટીમનો મહત્વનો હિસ્સો છે. આ ઉપરાંત વીડિયોમાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો અને સ્પિનર સુનીલ નારાયણ પણ નવા સ્ટેડિયમની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

King Khan’s Mega Project: ઓલિમ્પિક 2028 સાથે ખાસ કનેક્શન
આ સ્ટેડિયમનું નિર્માણ વૈશ્વિક ક્રિકેટ માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. વર્ષ ૨૦૨૮માં લોસ એન્જલસ (LA28) માં યોજાનારા ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની સત્તાવાર વાપસી થવાની છે. આ ઓલિમ્પિક મેચોની યજમાની કરવા માટે શાહરૂખ ખાનના આ ‘નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’ને એક મુખ્ય અને પ્રબળ દાવેદાર સ્ટેડિયમ તરીકે જોવામાં આવી રહ્યું છે.

King Khan’s Mega Project: કેવું છે સ્ટેડિયમનું વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર?
‘ગલ્ફ ન્યૂઝ’ના અહેવાલ મુજબ, આ મેદાનને આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે:
- પિચ: ગ્રાઉન્ડના મુખ્ય સ્ક્વેર પર કુલ ૮ આધુનિક વિકેટ (પિચ) તૈયાર કરવામાં આવી છે.
- બાઉન્ડ્રી: આઈસીસી (ICC) ના સત્તાવાર નિયમો અને માપદંડ અનુસાર બાઉન્ડ્રી રાખવામાં આવી છે.
- ફ્લડલાઇટ્સ: ડે-નાઇટ મેચો માટે ૧૨૦ ફૂટ ઊંચા ૬ હાઇ-ટેક ફ્લડલાઇટ ટાવર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
King Khan’s Mega Project: MLC માં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સનું સફર
લોસ એન્જલસ નાઇટ રાઇડર્સ (LAKR) ની ટીમ વર્ષ ૨૦૨૩માં મેજર લીગ ક્રિકેટની પ્રથમ સીઝનથી રમી રહી છે. શરૂઆતની સીઝન (૨૦૨૩) માં ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે ૬ઠ્ઠા સ્થાને રહી હતી. ત્યારબાદ ૨૦૨૪માં પ્રદર્શનમાં થોડો સુધારો થતા ટીમ ૫મા ક્રમે રહી, જ્યારે ગત વર્ષે ૨૦૨૫માં ફરી ટીમ ૬ઠ્ઠા સ્થાને રહી હતી. હવે પોતાના નવા હોમ ગ્રાઉન્ડના સપોર્ટ સાથે કિંગ ખાનની ટીમ આગામી સીઝન્સમાં શાનદાર વાપસી કરશે તેવી ફેન્સને પૂરી આશા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




