Kheda Breaking: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી ગેરકાયદેસર ખનન અંગેના એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઠાસરામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે સંયુક્ત રીતે એક મોટું ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાની માટીનું ગેરકાયદેસર ઉત્ખનન ઝડપી પાડ્યું છે. તંત્ર દ્વારા આ દરોડા દરમિયાન અંદાજે રૂપિયા ૨ કરોડનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Kheda Breaking: કોઈ પણ મંજૂરી વગર જેસીબીથી ઉપાડાતી હતી માટી

મળતી માહિતી મુજબ, ઠાસરા તાલુકાના બોઈડી ગામ પાસે આવેલી ‘સત્યેન્દ્ર પેકેજીંગ લિમિટેડ’ કંપનીમાં ખાણ ખનીજ વિભાગની ટીમ અચાનક ત્રાટકી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ કંપનીના પ્રીમાઈસીસમાંથી કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી કે રોયલ્ટી પાસ વગર ત્રણ-ત્રણ જેસીબી મશીનો લગાવીને બેફામ રીતે માટી ઉઠાવવામાં આવી રહી હતી. આ માટીને ડમ્પરોમાં ભરીને અન્ય જગ્યાઓ પર પુરાણ કરવા માટે મોકલવામાં આવી રહી હતી.
Kheda Breaking: ફ્લાઇંગ સ્ક્વોડ એક્શનમાં: ૩ જેસીબી અને ૩ ડમ્પર સીઝ કરાયા

ખાણ ખનીજ વિભાગ અને ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ચોક્કસ બાતમી મળતા જ ટીમોએ પ્લાનિંગ સાથે બોઈડી ગામે દરોડો પાડ્યો હતો. સરકારી તંત્રને અચાનક આવેલું જોઈને સ્થળ પર માટી ચોરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો હતો.
અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતા માટી ઉપાડવા માટે કોઈ પણ પ્રકારની કાયદેસરની પરમિશન લેવાઈ ન હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક એક્શન લઈને:
- ૩ જેસીબી (JCB) મશીનો અને
- ૩ મોટા ડમ્પરોને સ્થળ પર જ જપ્ત (સીઝ) કરી લીધા હતા.
Kheda Breaking: દંડનીય કાર્યવાહીની તજવીજ શરૂ

જપ્ત કરાયેલા તમામ વાહનો અને મુદ્દામાલની કુલ કિંમત આશરે ૨ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગે આ તમામ વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડીને કંપનીના માલિકો અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે ખાણ ખનીજ ધારા હેઠળ ગુનો નોંધીને લાખો રૂપિયાનો દંડ વસૂલવા માટેની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ મોટી કાર્યવાહીથી પંથકમાં ગેરકાયદે ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જામનગર ST બેડામાં શોક: સુરત-જામનગર રૂટની બસમાં ચાલુ ફરજે કંડક્ટરને હાર્ટ એટેક આવતા કરુણ મોત




