H1 B Visa : અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે મહત્વના H-1B વિઝા મુદ્દે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. અમેરિકી સરકાર દ્વારા વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી લાગુ કરાતા H-1B વિઝાના રિન્યૂઅલમાં ભારે વિલંબ સર્જાયો છે. પરિણામે અનેક ભારતીયો સહિત દુનિયાભરના વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. વિઝા રિન્યૂઅલની અપોઈન્ટમેન્ટ છથી આઠ મહિના અને ક્યાંક તો એક વર્ષ સુધી લંબાઈ જતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
વિઝા રિન્યૂઅલ માટે ભારત આવેલા અનેક ભારતીયો હવે અમેરિકા પાછા કેવી રીતે ફરવું તે અંગે અસમંજસમાં છે. આ પરિસ્થિતિને લઈને આજે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) દ્વારા સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી છે.

H1 B Visa : H-1B વિઝા મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે ચર્ચા
MEAએ જણાવ્યું છે કે ઘણા ભારતીય નાગરિકોએ વિઝા એપોઈન્ટમેન્ટના શિડ્યુલ અને રિ-શિડ્યુલ અંગે ફરિયાદો કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વિઝા આપવાનો અધિકાર તે તે દેશનો હોય છે, છતાં ભારત સરકારે આ મુદ્દે અમેરિકન અધિકારીઓ સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે.
MEA મુજબ, વિઝા વિલંબના કારણે ભણતર, રોજગાર અને પારિવારિક જીવન પર ગંભીર અસર પડી રહી છે, જેના કારણે ભારતીય નાગરિકો હેરાનગતિ અનુભવી રહ્યા છે. ભારત સરકાર સતત અમેરિકન અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જેથી ભારતીયોને થતી મુશ્કેલીઓ ઓછી કરી શકાય.
H1 B Visa : અમેરિકન સરકારના નોટિફિકેશનથી તમામ અપોઈન્ટમેન્ટ રદ
અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે દુનિયાભરના દૂતાવાસોને H-1B વિઝાની અપોઈન્ટમેન્ટ મુલતવી રાખવા આદેશ આપ્યો છે. આ નિર્ણયના કારણે અમેરિકાની IT કંપનીઓમાં કાર્યરત ભારતીયો સહિત હજારો વિદેશી કર્મચારીઓ પરેશાન બન્યા છે.
ઘણા H-1B વિઝાધારકોની વિઝાની અવધિ પૂર્ણ થઈ ગઈ છે અથવા ટૂંક સમયમાં પૂરી થવાની છે. આવા લોકો વિઝા રિન્યૂઅલ માટે પોતાના દેશોમાં આવ્યા હતા, પરંતુ અચાનક નવા નોટિફિકેશન બાદ તેમની તમામ અપોઈન્ટમેન્ટ રદ કરી દેવામાં આવી છે. કેટલાકને હવે 2026ના એપ્રિલ-મે અથવા નવેમ્બર-ડિસેમ્બર સુધીની નવી તારીખો આપવામાં આવી છે.
H1-B Visa :બે મોટી સમસ્યાઓ ઊભી થઈ
આ નિર્ણયના કારણે બે મોટી મુશ્કેલીઓ સામે આવી છે.
- જે લોકો વિઝા રિન્યૂઅલ માટે ભારત જેવા પોતાના દેશમાં આવ્યા હતા, તેઓ હવે ત્યાં જ ફસાઈ ગયા છે અને વિઝા પૂરી થવાને કારણે અમેરિકા જઈ શકતા નથી.
- બીજી તરફ, જે લોકો અમેરિકા જવા માંગે છે, તેઓ વિઝા સ્થિતિને લઈને કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને દેશ બહાર પણ જઈ શકતા નથી.
ભારત સરકારે આ મુદ્દે અમેરિકા સમક્ષ રજૂઆત કર્યા બાદ હવે H-1B વિઝાધારકોને કોઈ રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



