Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાએ હવે બરાબરનું જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર ખુશીનો માહોલ છે. આ વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ ધરતીપુત્રો (ખેડૂતો) માં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.

Gujarat Rain Update: બાલાસિનોર બન્યું ‘પાણી-પાણી’
આજના વરસાદનું મુખ્ય કેન્દ્ર મહીસાગર જિલ્લો રહ્યો છે. મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ (147 મીમી) જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. ટૂંકા સમયમાં આટલો ભારે વરસાદ પડવાને કારણે પંથકમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Gujarat Rain Update: જુઓ: કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો? (આંકડા મીમીમાં)
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
| જિલ્લો | તાલુકો / વિસ્તાર | વરસાદ (મીમીમાં) | વરસાદ (ઇંચમાં) |
| મહીસાગર | બાલાસિનોર | 147 મીમી | 5.79 ઇંચ |
| અરવલ્લી | ભિલોડા ધનસુરા | 75 મીમી 66 મીમી | 2.95 ઇંચ 2.60 ઇંચ |
| મહેસાણા | સતલાસણા ખેરાલુ | 73 મીમી 20 મીમી | 2.87 ઇંચ – |
| ખેડા | ગળતેશ્વર કપડવંજ | 57 મીમી 55 મીમી | – – |
| વડોદરા | દેસર | 53 મીમી | – |
| પંચમહાલ | ઘોઘંબા જાંબુઘોડા | 52 મીમી 51 મીમી | – – |
| છોટાઉદેપુર | કડવાલ | 49 મીમી | – |
નોંધ: આ સિવાય અરવલ્લીના સાઠંબા, બાયડ અને મોડાસામાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહ્યો છે. જ્યારે ખેડાના નડિયાદ, મહુધા અને કઠલાલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પંચમહાલના ગોધરા-હાલોલ અને દાહોદના દેવગઢબારિયા તથા ધાનપુરમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે.
Gujarat Rain Update: ખેડૂતોમાં ખુશી, વાહનચાલકો પરેશાન
આ વરસાદ આગામી ખરીફ પાક માટે ખૂબ જ અમૃત સમાન ગણાઈ રહ્યો છે, જેથી ખેડૂતો હવે વાવણીના કામમાં જોતરાઈ જશે. જો કે, અચાનક તૂટી પડેલા વરસાદને કારણે કેટલાક શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




