HomeGujaratGujarat Rain Surge: ગુજરાતમાં મેઘરાજાની બીજી ઇનિંગ ધમાકેદાર, કચ્છમાં અનરાધાર વરસાદ વચ્ચે...

Gujarat Rain Surge: ગુજરાતમાં મેઘરાજાની બીજી ઇનિંગ ધમાકેદાર, કચ્છમાં અનરાધાર વરસાદ વચ્ચે અંજારમાં 7.24 ઇંચ, રાજ્યના 259 તાલુકા જળબંબાકાર

Gujarat Rain Surge: 12 સપ્ટેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ચોમાસાની બીજી ઇનિંગ શરૂ થઈ ચૂકી છે અને રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના અંજારમાં 7.24 ઇંચ અને ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ ખાબક્યો છે. રાજ્યના 14 તાલુકામાં 4 ઇંચથી વધુ અને 26 તાલુકામાં 3 ઇંચથી વધુ પાણી વરસ્યું છે, જ્યારે અન્ય તાલુકાઓમાં 1 મિમીથી 3 ઇંચ સુધીનો વરસાદ થયો છે.

Gujarat Rain Surge

Gujarat Rain Surge: કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ અને માંડવીમાં ધોધમાર

આજે સવારે 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ 31 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 1.22 ઇંચ પાણી વરસ્યું છે. કચ્છમાં ભારે વરસાદને પગલે સવારે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાય દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે.

Gujarat Rain Surge: શહેરોમાં જળબંબાકાર: અમદાવાદમાં 52 દિવસ બાદ ધોધમાર

ભારે વરસાદના પગલે વડોદરા, અમરેલી, જૂનાગઢ અને પાટણ જેવા શહેરોની સ્થિતિ પ્રભાવિત થઈ છે. અમદાવાદમાં 52 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી. સાંજ સુધીમાં શહેરમાં સરેરાશ 3.43 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને મોસમનો કુલ વરસાદ 31 ઇંચ પર પહોંચ્યો હતો. ભારે વરસાદથી નીચાણવાળા અંડરપાસોને 5થી 6 કલાક સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવાની ફરજ પડી હતી.

Gujarat Rain Surge: આજી-2 ડેમના દરવાજા ખોલાયા, પડધરીના 10 ગામો હાઈ એલર્ટ પર

રાજકોટ તાલુકામાં ભારે પાણીની આવક થતાં આજી-2 ડેમની સપાટી જાળવી રાખવા માટે 2 દરવાજા 0.15 મીટર (લગભગ 6 ઇંચ) સુધી ખોલવામાં આવ્યા છે. ડેમની પૂર્ણ સપાટી 73.76 મીટર સામે હાલ જળસ્તર 72.5 મીટર પહોંચ્યું છે અને 560 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક ચાલુ છે. ડેમમાંથી પાણી છોડાતાં પડધરીના 10 ગામો—અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડાને હાઈ એલર્ટ પર મૂકી નદીના પટમાં ન જવા કડક સૂચના અપાઈ છે.

Gujarat Rain Surge: સાબરકાંઠા અને ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેર

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં સૌથી વધુ 2.76 ઇંચ (70 મિમી) અને ખેડબ્રહ્મામાં 2.64 ઇંચ (67 મિમી) વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પ્રાંતિજમાં 2.56 ઇંચ, પોશીનામાં 1.89 ઇંચ, વડાલીમાં 1.77 ઇંચ, ઇડરમાં 1.42 ઇંચ, તલોદમાં 1.38 ઇંચ અને વિજયનગરમાં 0.87 ઇંચ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ રહ્યો છે, જેમાં ઉનામાં 5.43 ઇંચ અને તાલાલામાં 3.86 ઇંચ પાણી વરસ્યું છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી આંબાકુઈ નદીમાં પૂર આવ્યું છે અને હિરણ નદીમાં નવા નીર આવ્યા છે. હિરણ-2 ડેમના કેચમેન્ટમાં સાડા પાંચ ઇંચ વરસાદથી નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે, જેનાથી ખેડૂતોના સુકાતા પાકને જીવનદાન મળ્યું છે.

Gujarat Rain Surge: રાજ્યમાં હજુ 17 ટકાની ઘટ અને ડેમોની સ્થિતિ

શ્રાવણ મહિનો નબળો રહ્યા બાદ ભાદરવાના પ્રારંભે સારો વરસાદ થતાં ખેડૂતો અને વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. સિઝનનો કુલ સરેરાશ વરસાદ 80 ટકા વરસી ચૂક્યો છે, છતાં રાજ્યમાં હજુ સરેરાશ 17 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. નર્મદા ડેમમાં જળસંગ્રહ 95 ટકાને પાર થઈ ગયો છે, પરંતુ અન્ય 206 જળાશયોમાં સરેરાશ માત્ર 67 ટકા જ પાણી છે અને 79 ડેમ હજુ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.

Gujarat Rain Surge: હવામાન વિભાગની આગાહી

હાલ ગુજરાત પર ટ્રફ, લો-પ્રેશર, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય છે. આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ અને ભારે ઝાપટાં રહેવાની સંભાવના છે. જોકે 16 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટશે અને હળવાથી મધ્યમ ઝાપટાં પડશે. દરિયાકાંઠાના માછીમારો અને નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદમાં 52 દિવસ બાદ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments