Gujarat Braces for Heavy Rain: 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલા વરસાદના બીજા રાઉન્ડમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઈંચ, જ્યારે ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 14 તાલુકામાં 4 ઈંચથી વધુ અને 26 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
Gujarat Braces for Heavy Rain: અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

સોમવારે અમદાવાદ સહિત વડોદરા, અમરેલી, જૂનાગઢ અને પાટણમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. અમદાવાદમાં 52 દિવસ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાંજ સુધીમાં સરેરાશ 3.43 ઈંચ વરસાદ નોંધાતા સિઝનનો કુલ વરસાદ 31 ઈંચ સુધી પહોંચ્યો છે. ભારે વરસાદના કારણે અનેક અંડરપાસ 5થી 6 કલાક સુધી બંધ રાખવા પડ્યા હતા. શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની અને ભયજનક મકાનનો ભાગ તૂટી પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી.
Gujarat Braces for Heavy Rain: કચ્છમાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે સવારે 10 વાગ્યા સુધી કચ્છમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ અને દીવ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે. 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
Gujarat Braces for Heavy Rain: ભાદરવામાં વરસાદથી ખેડૂતોને રાહત

શ્રાવણ મહિનો કોરો ગયા બાદ ભાદરવાના પ્રારંભમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં આશા જાગી છે. છેલ્લા ત્રણ દિવસના વરસાદ બાદ પણ રાજ્યમાં સરેરાશ 17 ટકા વરસાદની ઘટ છે. સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 80 ટકા વરસાદ નોંધાયો છે, જોકે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ ચિંતાનો વિષય છે.
Gujarat Braces for Heavy Rain: નર્મદા ડેમ 95 ટકા ભરાયો
સારા વરસાદ વચ્ચે નર્મદા ડેમમાં જળસંગ્રહ 95 ટકાને પાર પહોંચી ગયો છે. જોકે રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 67 ટકા જ પાણીનો સંગ્રહ થયો છે. 79 ડેમમાં હજુ પણ 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ

ટ્રફ, લો-પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસું સક્રિય છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 16 સપ્ટેમ્બર બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતા છે. માછીમારો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:મુંબઈના ઘાટકોપર પૂર્વના ધારાસભ્ય પરાગ શાહે જૈન ધર્મગુરુની પ્રેરણાથી ભિખારીનો વેશ ધારણ કર્યો, લોકો વચ્ચે રહીને ગરીબી અને ઉપેક્ષાનો અનુભવ કર્યો

