Gujarat Monsoon : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રહેલા ચોમાસાના માહોલ વચ્ચે હવે વરસાદનું જોર ક્રમશઃ ઘટી રહ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના કુલ ૧૦૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે, મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું જોર નરમ રહ્યું છે અને માત્ર હળવા છાંટા કે ધીમી ધાર જોવા મળી છે.
Gujarat Monsoon : ૧૦૦ તાલુકામાં ૧ ઈંચથી ઓછો વરસાદ
SEOC ના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ મેળવનારા ૧૦૯ તાલુકામાંથી ૧૦૦ તાલુકા એવા છે જ્યાં ૧ ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. આ દર્શાવે છે કે રાજ્યભરમાં હાલ સાર્વત્રિક ભારે વરસાદને બદલે માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં જ હળવા ઝાપટાં પડી રહ્યા છે.

Gujarat Monsoon: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: વલસાડ જિલ્લો મોખરે
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે. વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૨.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં મુખ્યત્વે:
- નાનાપોંઢા: ૨.૧૩ ઇંચ
- ધરપુર: ૧.૬૫ ઇંચ
- ખંભાત: ૧.૪૨ ઇંચ
- ડાંગ: ૧.૪૨ ઇંચ
- ભરૂચ: ૧.૨૬ ઇંચ
- પાદરા: ૧.૬ ઇંચ
- વાપી: ૧.૬ ઇંચ
- ખેરગામ: ૧.૦૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.
બાકીના તમામ વિસ્તારોમાં ૧ ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો હોવાનું સત્તાવાર અહેવાલોમાં જણાવ્યું છે.
Gujarat Monsoon : ૯ ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી ૩ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ દરમિયાન ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદનું જોર મર્યાદિત રહેશે.
દરિયાકાંઠે પવન ફૂંકાવાની શક્યતા અને પોર્ટ વોર્નિંગ હટાઈ
હવામાન વિભાગની ચેતવણી મુજબ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હાલ પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે દરિયાકાંઠે ૧૫ થી ૨૦ નોટની ઝડપે મજબૂત પવનો ફૂંકાઈ શકે છે, જે વધીને ૨૫ નોટ સુધી પણ પહોંચી શકે છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારો અને દરિયાકાંઠાના લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો :સુરત લિંબાયતના આસિફ હત્યા કેસનો પર્દાફાશ: કોન્ટ્રાક્ટ કિલિંગના માસ્ટરમાઇન્ડ સિદ્દીકીની ધરપકડ