Fake Liquor Busted in Ahmedabad: શહેરમાં દારૂબંધીના કાયદા વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનરની PCB સ્ક્વોર્ડે એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શાહપુર વિસ્તારમાં એક મકાનમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી પર દરોડો પાડીને પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો છે. સસ્તો દારૂ, પાણી અને ફ્લેવર મિક્સ કરીને તેને અસલી બ્રાન્ડેડ દારૂની બોટલોમાં ભરીને પડાવાતો હતો.

Fake Liquor Busted in Ahmedabad: શાહપુરમાં મોઢાની પોળમાં ચાલતું હતું કૌભાંડ
પીસીબી પી.આઈ. જે.પી. જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે શહેરના શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી પાસે મોઢાની પોળમાં આવેલ વિકી ઉર્ફે મંગો ચૌહાણના ઘરે રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં ચાર શખસો નકલી દારૂ બનાવવાનું કામ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
- ઝડપાયેલા આરોપીઓ: મનદીપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાની.
- મુખ્ય સૂત્રધાર: આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ વિકી ઉર્ફે મંગો ચૌહાણ હોવાનું સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

Fake Liquor Busted in Ahmedabad: મિત્રોને જ નોકરીએ રાખી ચલાવતો હતો નેટવર્ક
આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે મુખ્ય સૂત્રધાર મંગાએ પોતાના જ ચાર મિત્રોને આ કામે નોકરીએ રાખ્યા હતા અને અલગ-અલગ જવાબદારીઓ સોંપી હતી:
- મનદીપ ભાવસાર: ધંધાનું સંચાલન કરતો હતો, જેને ₹35,000 પગાર અપાતો હતો.
- કૈલાશ બોડાણા: સસ્તો વિદેશી દારૂ અને ભંગારમાંથી ખાલી બોટલો લાવી આપતો હતો, જેને ₹10,000 મળતા હતા.
- દેવ પટેલ અને દેવાંગ જાની: બ્રાન્ડેડ વિદેશી દારૂની ડિલિવરી કરવા જતા હતા, જેને રોજના ₹200 પગાર અપાતો હતો.

Fake Liquor Busted in Ahmedabad: પાણી અને ફ્લેવર મિક્સ કરી અસલી જેવા બનાવતા
આરોપીઓ ભંગારમાંથી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો અને સ્ટીકરો ખરીદી લાવતા હતા. ગ્રાહકોની ડિમાન્ડ મુજબ આગલા દિવસે સસ્તો દારૂ લાવી તેમાં પાણી અને ફ્લેવર મિક્સ કરીને અસલી બ્રાન્ડેડ દારૂ જેવો જ માલ તૈયાર કરતા હતા. ત્યારબાદ આ નકલી દારૂની બોટલો બ્રાન્ડેડ બોટલના અસલી ભાવ મુજબ 2,000 થી 5,000 રૂપિયા સુધીના ઊંચા ભાવે વેચવામાં આવતી હતી. આમાં કયા કેમિકલ કે ફ્લેવરનો ઉપયોગ થતો હતો તેની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Fake Liquor Busted in Ahmedabad: મુદ્દામાલ જપ્ત અને અન્ય દરોડો
પોલીસે સ્થળ પરથી હેર ડ્રાયર મશીન, લાલ કલરનું પ્રવાહી, ભારતીય બનાવટની વિદેશી દારૂની 227 બોટલ, 127 ખાલી બોટલ, 118 સ્ટીકર, 5 ફ્લેવર અને 22 લિટર દારૂ ભરેલા કેરબા સહિત કુલ ₹1,56,410 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શાહપુર પોલીસની જાણ બહાર PCBએ આ મોટી કાર્યવાહી કરી છે. ઉપરાંત, PCBના અન્ય એક દરોડામાં ઉદયપુરથી ટ્રાવેલ્સમાં ગેરકાયદે દારૂ લાવી શહેરકોટડામાં ઉતારતા બે શખસોને ઝડપી પાડી કુલ ₹26.91 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
મુંડન કરાવી તિરુપતિ બાલાજી પહોંચ્યા હાર્દિક પંડ્યા