Ebola Emergency in Congo: કોરોના મહામારી બાદ હવે ઈબોલા વાયરસનો ગંભીર પ્રકોપ ચિંતા વધારી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના તાજેતરના અપડેટ મુજબ, ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો (DRC)માં ઈબોલા એટલે કે Bundibugyo virus diseaseનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHOના 2 સપ્ટેમ્બર 2026ના નિવેદન મુજબ, દેશમાં નોંધાયેલા કેસોનો આંકડો 6,000ને પાર કરી ગયો છે, જ્યારે 3,000થી વધુ લોકોનાં મોત થયા છે.
આ પ્રકોપ હાલમાં DRCના છ પ્રાંતો અને 60 હેલ્થ ઝોન સુધી પહોંચી ગયો છે. WHOના જણાવ્યા મુજબ Ituri પ્રાંત હજુ પણ આ રોગચાળાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં દેશના મોટાભાગના કેસ અને મોત નોંધાઈ રહ્યા છે.
Ebola Emergency in Congo: કેસો અને મોતમાં ઝડપથી વધારો

28 ઓગસ્ટના WHOના સત્તાવાર અહેવાલ મુજબ 26 ઓગસ્ટ સુધી DRCમાં 5,794 કન્ફર્મ કેસ અને 2,786 મોત નોંધાયા હતા. ત્યારબાદ WHOએ 2 સપ્ટેમ્બરે જણાવ્યું કે રોગચાળો 6,000 કેસ અને 3,000 મોતના ગંભીર માઈલસ્ટોનને પાર કરી ગયો છે.
WHOએ આ પ્રકોપને ઝડપથી આગળ વધતો રોગચાળો ગણાવ્યો છે. સતત નવા વિસ્તારોમાં કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સામે દર્દીઓની સારવાર, વહેલી ઓળખ, સંપર્કમાં આવેલા લોકોની તપાસ અને સંક્રમણની સાંકળ તોડવાનો મોટો પડકાર ઊભો થયો છે.
Ebola Emergency in Congo: WHOએ વૈશ્વિક સતર્કતા વધારવા કરી અપીલ
WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું છે કે મોટાભાગના મોત હજુ પણ સમુદાયોમાં થઈ રહ્યા છે અને ઘણા દર્દીઓ જાણીતા સંપર્કોની યાદીમાં પણ નથી. આ સ્થિતિને કારણે સંક્રમણની કેટલીક સાંકળો હજુ શોધી શકાઈ નથી.

આ રોગચાળો માત્ર DRC પૂરતો સીમિત રહેવાનો જોખમ નથી, કારણ કે લોકોની અવરજવર અને સરહદ પારની હિલચાલને કારણે આસપાસના દેશોમાં પણ સંક્રમણ ફેલાવાનું જોખમ રહે છે. જોકે, ઉગાન્ડામાં 42 દિવસ સુધી કોઈ નવો કેસ ન નોંધાતા 27 ઓગસ્ટે ત્યાંનો ઈબોલા પ્રકોપ સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરવામાં આવ્યો હતો.
Ebola Emergency in Congo: સાવચેતી અને ઝડપી સારવાર મહત્વપૂર્ણ
WHO અને સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા સર્વેલન્સ, સંપર્ક શોધ, સારવાર કેન્દ્રો, આરોગ્ય કર્મચારીઓની તાલીમ અને સમુદાયોમાં જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઈબોલા સામેની લડતમાં વહેલી ઓળખ અને સંક્રમિત વ્યક્તિને યોગ્ય સારવાર સુધી ઝડપથી પહોંચાડવી અત્યંત મહત્વપૂર્ણ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સોના-ચાંદીમાં ફરી તેજીનો તડકો: MCX પર સોનું ₹1.54 લાખ પાર, ચાંદી ₹2.40 લાખની નજીક

