Diljit Dosanjh to Critics: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજનો અમદાવાદમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. તેમની ‘ઓરા ઇન્ડિયા ટૂર 2026’ હેઠળ 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય કોન્સર્ટ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. સ્ટેડિયમમાં સંગીત, ડાન્સ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દિલજીતે પણ અમદાવાદના ચાહકોનો પ્રેમ જોઈને ખુશી વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની એક મહિલા ફેનને એવી ભેટ આપી કે જેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. દિલજીતે આ મહિલા ચાહકને જીવનભર તેમના તમામ કોન્સર્ટમાં મફત પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી.
Diljit Dosanjh to Critics: 7 કોન્સર્ટમાં હાજરી આપનાર ફેનને ખાસ ભેટ

દિલજીત દોસાંજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ પોતાની મહિલા ફેનને ખાસ ભેટ આપતા જોવા મળે છે. દિલજીતના જણાવ્યા અનુસાર, આ મહિલા ચાહક આ વર્ષે તેમના કુલ સાત કોન્સર્ટમાં હાજર રહી હતી. યુરોપ, અમેરિકા, વેમ્બલી સહિત અમદાવાદના કોન્સર્ટમાં પણ તે પહોંચી હતી. ફેનના આટલા મોટા સમર્પણ અને પ્રેમથી પ્રભાવિત થઈને દિલજીતે તેને જીવનભર પોતાના તમામ કોન્સર્ટની ફ્રી ટિકિટ આપવાની ભેટ આપી હતી. આ જાહેરાત સાંભળીને મહિલા ફેન પણ ભાવુક થઈ ગઈ હતી. દિલજીતના આ પગલાની સોશિયલ મીડિયા પર ચાહકો પ્રશંસા કરી રહ્યા છે.
Diljit Dosanjh to Critics: પ્રતિબંધો લગાવનારાઓને પણ કહ્યું- I Love You

કોન્સર્ટ દરમિયાન દિલજીતે પોતાના પર લગાવવામાં આવેલા પ્રતિબંધો અને ગીતોને લઈને થતા વિરોધ અંગે પણ ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે વિદેશી કલાકારો અને ભારતીય કલાકારો સાથે થતા વ્યવહાર અંગે સવાલ ઉઠાવતાં કહ્યું કે કોલ્ડપ્લે જેવા વિદેશી કલાકારો ભારતમાં આવીને કાર્યક્રમ કરે ત્યારે કોઈને વાંધો નથી, પરંતુ તેઓ પોતે કાર્યક્રમ કરે ત્યારે વિરોધ કેમ થાય છે? દિલજીતે કહ્યું કે તેમનો જન્મ અહીં થયો છે, તેઓ કોઈ વિદેશમાં જન્મેલા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે તેમના પર પ્રતિબંધો લગાવવામાં આવે છે, પરંતુ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમણે વિરોધ કરનારાઓને પણ સંબોધીને કહ્યું, ‘મારા તરફથી તેમને પણ I Love You.’ તેમના આ નિવેદનથી કોન્સર્ટમાં હાજર ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
Diljit Dosanjh to Critics: 85 હજારથી વધુ દર્શકોથી સ્ટેડિયમ ખીચોખીચ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીતના કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, કોન્સર્ટમાં અંદાજે 85 હજાર દર્શકો હાજર રહ્યા હતા, જ્યારે સપોર્ટ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ સહિત કુલ હાજરી 90 હજારથી વધુ હોવાનું જણાવાયું હતું. ચાહકોને બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે દિલજીતનો કાર્યક્રમ સાંજે આશરે 7:30 વાગ્યે શરૂ થયો હતો. પરિણામે ચાહકોએ કલાકો સુધી રાહ જોઈ હતી.
Diljit Dosanjh to Critics: સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત, ગીતો અંગેના વિરોધનો પણ જવાબ

આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના કારણે પોલીસ દ્વારા સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અંદાજે 2,000 પોલીસકર્મીઓ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની ત્રણ કંપનીઓ, BDDS ટીમો, ક્વિક રિસ્પોન્સ ટીમો, ક્રાઈમ બ્રાન્ચ અને SOGના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. બીજી તરફ, દારૂ સંબંધિત ગીતો ગાવા સામે થયેલા વિરોધ અંગે પણ દિલજીતે સ્ટેજ પરથી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે પોતાના અંદાજમાં વિરોધીઓને જવાબ આપ્યો અને ‘તું મુજે કબૂલ’ સહિતનાં ગીતો પર ચાહકોને ઝૂમવા મજબૂર કર્યા હતા. અમદાવાદનો આ કોન્સર્ટ દિલજીતની ઓરા ઇન્ડિયા ટૂરના યાદગાર કાર્યક્રમોમાંનો એક બની રહ્યો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બ્લાઈન્ડ ક્રિકેટમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ, પાકિસ્તાની અમ્પાયરના ‘જેટ ક્રેશ’ સેલિબ્રેશનથી હોબાળો

