Crocodile Terror in Vadodara: ચોમાસાની શરૂઆત થતાં જ સંસ્કારી નગરી વડોદરામાં વન્યજીવો અને માનવ વસ્તી વચ્ચેનો સંઘર્ષ ફરી સપાટી પર આવ્યો છે. વરસાદી માહોલમાં નદી-તળાવોના જળસ્તર વધતા જ મગરોએ રહેણાંક વિસ્તારો તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ વડોદરા જિલ્લાના પાદરા-કરજણ રોડ પર આવેલા કોઠવાડા ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં એકસાથે ૧૧ જેટલા મગરોનું ઝૂંડ તરતું જોવા મળ્યું હતું. આ રોમાંચક અને ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. નદીના વહેણમાં નાના-મોટા અસંખ્ય મગરોને એકસાથે જોવા માટે પુલ પર વટેમાર્ગુઓ અને સ્થાનિકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.

Crocodile Terror in Vadodara: પોશ વિસ્તાર ગેલેક્સી બંગલોઝમાં 9 ફૂટના મગરનું ‘નાઇટ વોક’
બીજી તરફ, વડોદરા શહેરના પોશ ગણાતા વાસણા-ભાયલી રોડ પર આવેલ ‘ગેલેક્સી બંગલોઝ’ માં ગઈકાલે રાત્રે એક મહાકાય મગર ઘૂસી આવતાં સોસાયટીના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અંદાજે ૯ ફૂટ લાંબો આ મગર સોસાયટીના આંતરિક રોડ પર આરામથી નાઇટ ‘વોક’ કરતો કેમેરામાં કેદ થયો હતો. મગરને જોઈને લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગ અને જીવદયા સંસ્થા ‘ગૌ રક્ષા સેવા સમિતિ’ ને જાણ કરી હતી, જેમણે ભારે જહેમત બાદ આ મહાકાય મગરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી રહીશોને મોટી આફતમાંથી બચાવ્યા હતા.

Crocodile Terror in Vadodara: તાંદલજામાં મગરના કારણે ‘રાત્રિ કરફ્યુ’ જેવો માહોલ
શહેરના તાંદલજા ગામના બસ સ્ટેન્ડ નજીક રહેણાંક વિસ્તારની મધ્યમાં આવેલા તળાવમાં પણ એક વિશાળકાય મગર દેખાતા લોકો ફફડી ઉઠ્યા છે. આ તળાવની આસપાસ મોટી સંખ્યામાં સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સ આવેલા છે. ચોમાસામાં પાણી વધતાં મગર ગમે ત્યારે ઘરોમાં ઘૂસી જવાની દહેશતને કારણે સ્થાનિકો રાત્રે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે અને વિસ્તારમાં જાણે કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. રહીશોએ વન વિભાગ પાસે તાકીદે પાંજરું ગોઠવવાની માંગ કરી છે.

Crocodile Terror in Vadodara: 35 વર્ષમાં મગરોની સંખ્યા 9 ગણી વધી: વડોદરા કેવી રીતે બન્યું ‘મગરનગરી’?
બરોડા સ્ટેટના ૧૮૮૧ ના ગેઝેટિયરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોની હાજરીની નોંધ છે.
- ૧૯૭0 ના દાયકામાં: એમ.એસ. યુનિવર્સિટીના સંશોધક ડો. ગુણવંત ઓઝાએ આજવા સરોવરની આસપાસ ૫૦ મગરો નોંધ્યા હતા.
- ૧૯૯૨ માં: મગરોના તજ્જ્ઞ ડો. રાજુ વ્યાસે પહેલવહેલી સત્તાવાર ગણતરી કરી ત્યારે વિશ્વામિત્રીમાં ૫૦ જેટલા મગરો હતા.
- આજની સ્થિતિ: ગીર (GEER) ફાઉન્ડેશનના તાજેતરના સર્વે મુજબ, વડોદરાના દુમાડથી જાંબુઆ સુધીના વિસ્તારમાં ૪૪૨ મગરો નોંધાયા છે, એટલે કે ૩૫ વર્ષમાં મગરોની સંખ્યા ૯ ગણી વધી છે! વિશ્વામિત્રી નદીમાં સાનુકૂળ આવાસ અને પૂરતો ખોરાક મળવાને કારણે આ સંખ્યા વધી છે.
મહત્વની બાબત: મગર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટના શિડ્યૂલ-૧ નું સંરક્ષિત પ્રાણી છે. વડોદરાના મગરો માનવ વસ્તીની આસપાસ હોવા છતાં સામાન્ય રીતે હુમલો કરતા નથી. જો મગરના હુમલામાં કોઈ વ્યક્તિનું મોત થાય, તો સરકાર તરફથી ₹૪ લાખનું વળતર ચૂકવવાની જોગવાઈ છે.

Crocodile Terror in Vadodara: નદી કે તળાવ કિનારે રહેતા લોકો માટે જરૂરી સાવચેતીની ટીપ્સ
- નદી કે તળાવમાં મગરની હાજરી હોય તો ભૂલથી પણ ત્યાં પાણીમાં જવું નહીં.
- કિનારે કપડાં-વાસણ ધોતી વખતે હંમેશા નજર પાણી સામે રાખવી, ક્યારેય પાણી તરફ પીઠ રાખીને બેસવું નહીં.
- નદીમાં ક્યારેય એકલા જવાનું સાહસ ન કરવું, શક્ય હોય તો મોટરથી જ પાણી ખેંચવું.
- પશુઓને પાણી પીવડાવવા માટે કિનારાથી ૧ ફૂટથી વધુ આગળ ન લઈ જવા.
- વન વિભાગનો સંપર્ક કરી જે-તે સ્થાને સાવચેતી દર્શાવતા બોર્ડ અચૂક મૂકવા.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




