Baroda Medical College Ragging Row: વડોદરા સ્થિત પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવતું હોવાનો ગંભીર મામલો સામે આવતાં જ ખળભળાટ મચી ગયો છે. મેડિકલના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારના મંત્રી સમક્ષ કરેલી સીધી રજૂઆત અને ગંભીર ફરિયાદોને પગલે રાજ્ય સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. વિવાદમાં ઘેરાયેલા પ્રોફેસર ડો. ચિરાગ બારોટની તાત્કાલિક અસરથી ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે બદલી કરી દેવાનો સરકારે આદેશ જારી કર્યો છે.

Baroda Medical College Ragging Row: મંત્રી પ્રફુલ પાનસેરિયા સમક્ષ વિદ્યાર્થીઓએ ઠાલવ્યો હતો આક્રોશ
ઘટનાની વિગતો અનુસાર, બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રોફેસર ડો. ચિરાગ બારોટ પર માનસિક ત્રાસ આપવા તેમજ રેગિંગ કરવા જેવા અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે પ્રોફેસર દ્વારા અભ્યાસ દરમિયાન સતત દબાણ ઊભું કરવામાં આવતું હતું અને અભદ્ર વર્તન દાખવવામાં આવતું હતું. આ બાબતે ત્રસ્ત વિદ્યાર્થીઓએ રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાને રૂબરૂ મળીને પોતાની આપવીતી જણાવી હતી અને પુરાવા સાથે સમગ્ર હકીકત રજૂ કરી તાત્કાલિક સુરક્ષા અને ન્યાયની માંગણી કરી હતી.
Baroda Medical College Ragging Row: ગણતરીના કલાકોમાં આદેશ છૂટ્યા, મેડિકલ આલમમાં ચર્ચા
વિદ્યાર્થીઓની રજૂઆતને મંત્રીશ્રીએ અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતાથી લીધી હતી. શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય કે રેગિંગ જેવી ગેરવર્તણૂક કોઈપણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપતાં મંત્રીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરે કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. પરિણામે, ફરિયાદ મળ્યાના ગણતરીના કલાકોમાં જ આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા આદેશ જાહેર કરીને ડો. ચિરાગ બારોટની બદલી ભાવનગર કરી દેવામાં આવી હતી. સરકારના આ આકરા પગલાંથી મેડિકલ કોલેજના વહીવટી તંત્ર અને અન્ય સ્ટાફમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
Baroda Medical College Ragging Row: શૈક્ષણિક પરિસરમાં શિસ્ત અને સુરક્ષા પર ભાર
મેડિકલ શિક્ષણ ક્ષેત્રે રેગિંગ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ અને સરકારની કડક માર્ગદર્શિકા અમલમાં છે. ભાવિ તબીબોને નિર્ભય અને તણાવમુક્ત વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે પ્રાથમિકતા હોવાનું જણાવી સરકારે સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ગેરશિસ્ત કે વિદ્યાર્થીઓના ઉત્પીડન સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. આ ઝડપી અને કડક નિર્ણયને લઈને બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વાલી મંડળે રાહતનો શ્વાસ લીધો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

