Airspace Breach: દિલ્હીથી અમૃતસર જઈ રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે ટેકનિકલ ખામીના કારણે રસ્તો ભટકી ગઈ હતી અને પાકિસ્તાનની હવાઈ સરહદ (એરસ્પેસ) માં પ્રવેશતા જ બંને દેશોના એવિએશન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પાકિસ્તાનની એર ટ્રાફિક ઓથોરિટી તરફથી તાત્કાલિક ચેતવણી મળતા જ પાયલટે સમયસૂચકતા વાપરીને વિમાનને પાછું ભારતીય સરહદમાં વાળી લીધું હતું. આ સમગ્ર હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ વિમાન ૪ કલાક મોડું અમૃતસર લેન્ડ થયું હતું.

Airspace Breach: ટેકનિકલ ખામી બની કારણ: ૩ મિનિટ મોડી ઉડી હતી ફ્લાઇટ
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, એરબસ AI-321 વિમાને સોમવારે રાત્રે ૯:૧૮ મિનિટે દિલ્હીથી ઉડાન ભરી હતી, જે તેના નિર્ધારિત સમય કરતાં ૩ મિનિટ મોડું હતું. ઉડાન દરમિયાન જ વિમાનની નેવિગેશનલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનને રાત્રે ૧૦:૩૦ વાગ્યે અમૃતસરમાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે રૂટ પરથી ભટકીને સીધું પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગયું. પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ તાત્કાલિક એલર્ટ આપીને ચેતવણી આપતા જ પાયલટને આ ભૂલનો અહેસાસ થયો હતો.

Airspace Breach: પાછા ફર્યા બાદ અમૃતસરમાં ટ્રાફિક નડ્યો, વિમાન દિલ્હી ડાયવર્ટ કરાયું
પાકિસ્તાન સરહદમાંથી યુ-ટર્ન લઈને વિમાન જ્યારે પાછું ભારતીય સરહદમાં આવ્યું, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
- રનવે બિઝી હતો: વિમાન નિર્ધારિત સમય કરતાં મોડું પડતાં અમૃતસર એરપોર્ટ પર અન્ય ફ્લાઇટ્સનો ટ્રાફિક વધી ગયો હતો, જેથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ તેને લેન્ડિંગની મંજૂરી ન આપી.
- હવામાં ચક્કર લગાવ્યા: ફ્લાઇટે અમૃતસરની આકાશમાં ઘણા ચક્કર લગાવ્યા બાદ કંટ્રોલ રૂમના આદેશથી તેને પાછું દિલ્હી મોકલી દેવાયું.
- દિલ્હીમાં સેફ લેન્ડિંગ: દિલ્હી એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવીને તેની ખામી ચકાસવામાં આવી હતી.
ત્યારબાદ લગભગ ૨ કલાક પછી ફરીથી ક્લિયરન્સ મળતા વિમાને દિલ્હીથી અમૃતસર માટે ઉડાન ભરી અને મધ્યરાત્રિએ ૨:૨૦ મિનિટે (આશરે ૪ કલાકના વિલંબથી) મુસાફરો અમૃતસર પહોંચ્યા હતા.

Airspace Breach: એરપોર્ટ અધિકારીનું સત્તાવાર નિવેદન
અમૃતસર એરપોર્ટ ઓથોરિટીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “કોઈપણ વિમાનના લેન્ડિંગ પહેલાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ની મંજૂરી અનિવાર્ય છે. રનવે વ્યસ્ત હોવાને કારણે અથવા ટેકનિકલ કારણોસર વિમાનને હવામાં હોલ્ડિંગ પેટર્નમાં રાખવું એક સામાન્ય પ્રક્રિયા છે. આ કિસ્સામાં પણ એવું જ થયું હતું.” તેમણે વધુમાં ઉમેર્યું કે ફ્લાઇટ લેટ થવાને કારણે મુસાફરોને અસુવિધા ચોક્કસ થઈ હતી, પરંતુ સ્થિતિ એકદમ સામાન્ય રહી હતી અને કોઈ હોબાળો થયો ન હતો. હાલ આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.
Airspace Breach: ગત ૧૨ જૂને પાકિસ્તાનનું વિમાન ભારતમાં ઘૂસ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના ગત ૧૨ જૂને પણ બની હતી, જેમાં પાકિસ્તાનની પેસેન્જર ફ્લાઇટ ‘ફ્લાય જિન્ના-9P514’ લાહોર એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ખરાબ હવામાનને કારણે રસ્તો ભટકીને ભારતીય એરસ્પેસમાં ઘૂસી ગઈ હતી. જોકે, ભારતીય એટીસીના સંપર્ક બાદ તેને પણ સુરક્ષિત રીતે પાકિસ્તાન પરત મોકલાઈ હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




