Ahmedabad Shocker: અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ખૌફનાક ઘટના સામે આવી છે. આનંદનગરની એક પીજી (પેઈંગ ગેસ્ટ)માં રહેતી અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી સાથે સોસાયટીના જ એક સિક્યુરિટી ગાર્ડે પાશવી અત્યાચાર ગુજાર્યો છે. આરોપી સિક્યુરિટી ગાર્ડે યુવતીના ગળે વાયર બાંધીને તેની સાથે લગભગ એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસ દ્વારા વહેલી સવારે જ કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

Ahmedabad Shocker: કેવી રીતે બની આ ધ્રુજારી ઉપજાવતી ઘટના?
- પીજીના ધાબા પર બની ઘટના: ગઈકાલે (૮ ઓગસ્ટ) ઈન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી પીજીના ધાબા પર ચાલવા માટે ગઈ હતી. આરોપી સિક્યુરિટી ગાર્ડ અગાઉથી જ ધાબા પર યુવતીની રાહ જોઈને બેઠો હતો.
- શારીરિક સંબંધની માગણી અને ઇનકાર: ધાબા પર પહોંચતા જ આરોપીએ યુવતી સાથે વાતચીત કરી શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. યુવતીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને આરોપીને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
- વાયર બાંધીને હેવાનિયત: યુવતી જ્યારે ધાબા પરથી નીચે જઈ રહી હતી, ત્યારે અચાનક પાછળથી આવીને આરોપીએ યુવતીના ગળે વાયર બાંધી દીધો અને તેને નીચે પછાડી દીધી હતી. ત્યારબાદ ધાબાનો દરવાજો બંધ કરી, મોઢું દબાવીને એક કલાક સુધી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપી લિફ્ટમાં નીચે ભાગી છૂટ્યો હતો, અને પીડિત યુવતીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

Ahmedabad Shocker: માત્ર ૬ દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો આરોપી
પ્રાપ્ત માહિતી અનુસાર, પકડાયેલ આરોપી સિક્યુરિટી ગાર્ડ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે અને તે માંડ છ-સાત દિવસ પહેલા જ આ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. નવી નોકરીના થોડા જ દિવસોમાં તેણે આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના લિફ્ટ અને ધાબાના સીસીટીવી (CCTV) ફૂટેજમાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેમાં આરોપી લિફ્ટમાં ઉપર જતો અને ઘટના બાદ નીચે આવતો નજરે પડે છે.
Ahmedabad Shocker: પોલીસની ત્વરિત કાર્યવાહી અને તપાસ
શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે છેલ્લા ૩ દિવસથી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખુદ રસ્તા પર ઉતરીને રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યા છે, તેમ છતાં પીજીના ધાબા પર આ ગંભીર ઘટના બનતા સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.
ઘટનાની ગંભીરતા જોતાં સ્થાનિક પોલીસ, એલસીબી (LCB) અને ક્રાઈમ બ્રાન્ચની ૧૦ જેટલી અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશનમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, ભોગ બનનાર યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની તબિયત અને આઘાતજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો