Ahmedabad School Violence:અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલની ઘટના બાદ હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક મારામારીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્કૂલ બહાર જ વિદ્યાર્થી પર ગેંગવોર જેવી રીતે હુમલો કરાયો હોવાના દૃશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે.

Ahmedabad School Violence: વિદ્યાર્થીને પાઈપ, લાકડી અને પટ્ટાથી બેફામ ફટકાર્યો
પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નિખિલ પટેલ પર અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટા વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને માથા અને શરીરના ભાગોમાં ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

Ahmedabad School Violence: સ્કૂલથી 100 મીટર દૂર હુમલો, CCTVમાં કેદ ભયાનક દૃશ્યો
આ સમગ્ર ઘટના સ્કૂલથી માત્ર 100 મીટરના અંતરે બની હતી. નજીકમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને ઘેરી લઈ લાકડી અને પટ્ટાથી બેફામ માર મારી રહ્યું છે. આ દૃશ્યો જોઈ કોઈને પણ વિશ્વાસ ન આવે કે હુમલો કરનાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે. ગુંડાઓને પણ શરમાવે તેવી કરતૂત વિદ્યાર્થીઓએ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
Ahmedabad School Violence: છરી માર્યાની અફવા, સ્કૂલે કરી નકાર

ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શરૂઆતમાં વિદ્યાર્થીને છરી માર્યાની માહિતી મળી હતી, પરંતુ સ્કૂલ પ્રશાસને આ વાતને નકારી કાઢી છે. પોલીસના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો.
પોલીસ ફરિયાદ નોંધાઈ, તપાસ શરૂ
આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
સામાન્ય સારવાર બાદ વિદ્યાર્થીને વાલી સાથે ઘરે મોકલાયો
નેશનલ સ્કૂલના ટ્રસ્ટી રમેશ અમીને જણાવ્યું હતું કે, આ ઘટના સ્કૂલથી 100 મીટર દૂર બની છે, જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો-અંદર ઝઘડો થયો હતો. આ દરમિયાન બહારથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ તેમના સ્કૂલના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.
વિદ્યાર્થીને સ્કૂલના ખર્ચે સારવાર આપવામાં આવી હતી. સામાન્ય સારવાર બાદ તેને વાલી સાથે ઘરે મોકલી દેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, “અમારું કામ શિક્ષણ આપવાનું છે. વિદ્યાર્થીઓએ ભણવું જોઈએ, મારામારી નહીં.”
હાલ સ્થિતિ
વિદ્યાર્થીઓ વચ્ચે વધતી હિંસાની ઘટનાઓને લઈને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. હવે પોલીસ તપાસ બાદ આ મામલે શું કાર્યવાહી થાય છે તેની ઉપર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો :Ahmedabad News:હાઈપ્રોફાઈલ શીલજ વિસ્તારમાં નશામાં ડ્રાઈવિંગનો આતંક, લોકોમાં રોષ




