Ahmedabad Fire Breaking: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં ગત રાત્રિએ એક ભીષણ આગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. ઓઢવની ‘અંબિકા પ્લાસ્ટિક’ નામની ફેક્ટરીમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેતા ફાયર બ્રિગેડને ૫ થી ૬ કલાક જેટલો સમય લાગ્યો હતો. વહેલી સવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં એક નિર્દોષ જીવ હોમાઈ ગયો હતો.
Ahmedabad Fire Breaking: મોડાસાના પ્રતાપ ઠાકોરનું મોત

આ આગની લપેટમાં આવતા મોડાસાના વતની પ્રતાપ ઠાકોર નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, આ ફેક્ટરી અરુણ માંગરોલીયા નામના વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસે સ્થળ પર પહોંચીને હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Ahmedabad Fire Breaking: સ્થાનિકોના ગંભીર આક્ષેપ: ‘ગેરકાયદેસર વેપારનો અડ્ડો’

આગની ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ સમગ્ર જગ્યા પર લાંબા સમયથી ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે. ફેક્ટરીના પરિસરમાં હજારોની સંખ્યામાં પ્લાસ્ટિકના ડ્રમ ખુલ્લામાં પડેલા હતા. સદનસીબે આગ વધુ પ્રસરી નહીં, બાકી જો આ હજારો ડ્રમ આગની લપેટમાં આવ્યા હોત, તો આસપાસના રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાનિ થવાની અને વિનાશ વેરવાની પૂરેપૂરી શક્યતા હતી.

હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી રહી છે. ગેરકાયદેસર ફેક્ટરીના આક્ષેપોને લઈને તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ: ભીલાડ પોલીસની બાતમીના આધારે રેડ, યુપી-મહારાષ્ટ્ર કનેક્શન ધરાવતો આરોપી જેલના સળિયા પાછળ.




