HomeAhmedabadAhmedabad Bank Scam: બેંક ઓફ બરોડામાં રૂ. 8.70 કરોડની મહાચોરી, RBIની તિજોરી...

Ahmedabad Bank Scam: બેંક ઓફ બરોડામાં રૂ. 8.70 કરોડની મહાચોરી, RBIની તિજોરી સાફ કરનાર કસ્ટોડિયન ઝડપાયો, ચોરીના પૈસાથી ખરીદ્યો આલીશાન બંગલો અને દુકાન

Ahmedabad Bank Scam: અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની ગાંધીરોડ બ્રાંચમાંથી આરબીઆઈ (RBI)ની કરન્સી ચેસ્ટમાંથી રૂપિયા 8.70 કરોડ સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડિયનને પોલીસે ઝડપી પાડ્યો છે. 15 વર્ષથી બેંકમાં નોકરી કરતા વફાદાર કર્મચારીએ આરામદાયક જિંદગી જીવવા માટે આ આખી યોજના ઘડી હતી. ચોરીના કરોડો રૂપિયાથી આરોપીએ અમદાવાદમાં બંગલો અને દુકાન ખરીદી લીધા હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad Bank Scam

Ahmedabad Bank Scam: જેના ભરોસે તિજોરી હતી, તેણે જ ભંગારના બહાને કરોડો રૂપિયા બહાર કાઢ્યા

કાલુપુર ગાંધીરોડ બ્રાંચના ચીફ મેનેજર હરીહર દેવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, બેંકમાં RBI દ્વારા કરન્સી ચેસ્ટ (મોટી તિજોરી) રાખવામાં આવી છે, જ્યાંથી અન્ય બેંકોને નાણાં મોકલાય છે. આ કરોડોની રોકડના હિસાબ માટે જોઈન્ટ કસ્ટોડિયન તરીકે હરસિદ્ધ કડિયાર (રહે. ચાંદખેડા, અમદાવાદ) કાર્યરત હતો.

બેંકમાં વાર્ષિક ઓડિટનો સમય આવ્યો ત્યારે રૂપિયા 500ના દરની કુલ 174 રીલ (બંડલો) ઓછી જોવા મળી હતી, જેની કિંમત રૂ. 8.70 કરોડ થતી હતી. બેંક સત્તાવાળાઓએ તાત્કાલિક સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા માલૂમ પડ્યું કે, ગત 13 જાન્યુઆરીના રોજ આરોપી હરસિદ્ધ બેંકમાંથી કેટલાક બોક્સ લઈને બહાર જઈ રહ્યો હતો અને સ્ટાફને એવું બહાનું આપ્યું હતું કે આમાં ‘ભંગાર’ ભરેલો છે.

Ahmedabad Bank Scam

Ahmedabad Bank Scam: 90 દિવસનો ‘CCTV પ્લાન’ અને મનાલીનું વેકેશન

શાતિર આરોપીએ જાન્યુઆરી મહિનામાં ચોરી કર્યા બાદ એક ગણતરી માંડી હતી. તેને એમ હતું કે 90 દિવસમાં બેંકના સીસીટીવી ફૂટેજ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. આથી તે ચોરી કર્યા પછી પણ 90 દિવસ સુધી નિયમિત નોકરી પર આવતો રહ્યો. 90 દિવસ પૂરા થતાં જ તેણે માંદગીનું બહાનું કાઢીને મેડિકલ લીવ લીધી અને 20 એપ્રિલથી ગાયબ થઈ ગયો. આ દરમિયાન તે પરિવાર સાથે મનાલી ફરવા પણ ઉપડી ગયો હતો, પરંતુ પોલીસ પાછળ પડી હોવાની જાણ થતાં ત્યાંથી પણ ભાગી છૂટ્યો હતો.

Ahmedabad Bank Scam: કારમાંથી રૂ. 2.20 કરોડ રોકડા મળ્યા, કરોડોની પ્રોપર્ટી વસાવી

ઝોન 3 એલસીબી સ્કોડના પીએસઆઈ વી.એચ. રાઠોડની ટીમે બાતમીના આધારે આરોપી હરસિદ્ધ કડિયારને સોલા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાંથી ઝડપી લીધો હતો.

  • કારમાંથી રોકડ મળી: ઔડાના મકાન નીચે પાર્ક કરેલી આરોપીની આર્ટિકા કારમાંથી પોલીસે રૂપિયા 2.20 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે.
  • ચાંદખેડામાં પ્રોપર્ટીની ખરીદી: ચોરીના પૈસાથી આરોપીએ ચાંદખેડામાં 2 કરોડથી વધુની કિંમતનો આલીશાન બંગલો અને 1.40 કરોડની કિંમતની દુકાન ખરીદી લીધી હતી.
  • અન્ય રોકાણ: આરોપીએ એક ‘છોટા હાથી’ વાહન ખરીદ્યું હતું અને કેટલીક રકમ ક્રિપ્ટો કરન્સીમાં પણ ઇન્વેસ્ટ કરી હતી. આ ઉપરાંત, તેની સાથે કામ કરતી વૈશાલીબેન નામની મહિલાને મકાન લેવા માટે રૂ. 28 લાખ આપ્યા હોવાનું પણ ખુલ્યું છે.

Ahmedabad Bank Scam: પત્ની RPFમાં હેડ કોન્સ્ટેબલ, અન્ય સાગરીતોની ધરપકડ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હરસિદ્ધની પત્ની રેલવે પોલીસ (RPF)માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ ગુનામાં પત્નીની કોઈ સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત કેશ ટ્રાન્સફર કરવાનું કામ કરતા અન્ય બે ઇસમો સુલતાન અને ઝુલ્ફીકારની પણ પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસે ૨.૨૦ કરોડની રોકડ, આર્ટિકા કાર અને મોબાઈલ ફોન કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદમાં હીટ એન્ડ રન, દસક્રોઈમાં કાળમુખા ટેમ્પોએ સાડા ત્રણ વર્ષના માસૂમને કચડ્યો, 3 હોસ્પિટલો બદલવા છતાં જીવ ન બચ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments