HomeSuratMassive Festival Rush in Surat: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો રેકોર્ડબ્રેક...

Massive Festival Rush in Surat: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો રેકોર્ડબ્રેક ધસારો: બે દિવસમાં 60 હજાર લોકો વતન રવાના, દર બે કલાકે દોડાવી સ્પેશિયલ ટ્રેનો

Massive Festival Rush in Surat: દિવાળી અને છઠ પૂજાના તહેવારોને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા નીકળેલા મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ ઉમટી રહી છે. 7 અને 8 નવેમ્બર દરમિયાન હજારોની સંખ્યામાં શ્રમિકો અને તેમના પરિવારો વતન જવા માટે સ્ટેશન પહોંચ્યા હતા. સ્થિતિ એવી સર્જાઈ હતી કે સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં પણ પગ મૂકવાની જગ્યા રહી નહોતી. રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, બે દિવસમાં અંદાજે 60 હજાર મુસાફરોને વતન તરફ રવાના કરવામાં આવ્યા છે. આ વખતે મુસાફરોની સંખ્યા અગાઉના વર્ષની સરખામણીએ લગભગ બમણી નોંધાઈ છે અને 2025નો રેકોર્ડ પણ તૂટ્યો છે. જોકે, મુસાફરોની સંખ્યા વધવા છતાં પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને કારણે કોઈ મોટી અવ્યવસ્થા કે નાસભાગની ઘટના સામે આવી નથી. મુસાફરોને લાઇનમાં ઊભા રાખીને ક્રમબદ્ધ રીતે ટ્રેનમાં બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Massive Festival Rush in Surat: બે દિવસમાં 60 હજાર મુસાફરો વતન પહોંચવા રવાના

Massive Festival Rush in Surat

પશ્ચિમ રેલવેના DRM પંકજ સિંહના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારને કારણે શુક્રવારથી જ મુસાફરોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. પગાર મળવો અને શાળાઓમાં વેકેશન શરૂ થવાને કારણે મોટી સંખ્યામાં લોકો એકસાથે વતન જવા નીકળ્યા હતા. શુક્રવારે નિયમિત ટ્રેનો ઉપરાંત 6થી 7 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. તેના દ્વારા અંદાજે 30થી 35 હજાર મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા. અગાઉ શનિવાર અને રવિવાર દરમિયાન સામાન્ય રીતે 15 હજાર જેટલા મુસાફરો નોંધાતા હતા. ત્યારબાદ આ સંખ્યા વધીને 25 હજાર અને ગયા વર્ષે 35 હજાર સુધી પહોંચી હતી. જોકે, આ વર્ષે માત્ર બે દિવસમાં 50થી 60 હજાર મુસાફરોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Massive Festival Rush in Surat: દર બે કલાકે સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન

મુસાફરોને સ્ટેશન પર લાંબા સમય સુધી રાહ જોવી ન પડે તે માટે રેલવે દ્વારા સતત ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. શનિવારે વહેલી સવારથી જ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની શરૂઆત કરવામાં આવી હતી. સવારે 5:30, 8:30 અને 10:10 વાગ્યે ટ્રેનો દોડાવવામાં આવી હતી. ત્યારબાદ 11:30 અને બપોરે 1 વાગ્યે પણ મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજ અને રાત્રિના સમયે ભીડમાં વધારો થતાં મોડી રાત્રે 10 વાગ્યાથી લઈને વહેલી સવાર સુધી ટ્રેનોનું સંચાલન ચાલુ રાખવામાં આવ્યું હતું. રાત્રે 11:30, 1:30, 3, 5, 7 અને 8 વાગ્યાના સમયગાળામાં પણ ટ્રેનો દોડાવવામાં આવી હતી. અંત્યોદય એક્સપ્રેસ, તાપ્તી ગંગા એક્સપ્રેસ અને જયનગર સ્પેશિયલ સહિતની ટ્રેનો મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

Massive Festival Rush in Surat: 15 કલાકમાં 12 ટ્રેનો દોડાવી 43 હજારથી વધુ મુસાફરોનું સંચાલન

ઉધના રેલવે સ્ટેશન પર ભીડનું સંચાલન કરવા માટે રેલવે પ્રશાસને ખાસ આયોજન કર્યું હતું. 7 અને 8 નવેમ્બર દરમિયાન માત્ર 15 કલાકના સમયગાળામાં કુલ 12 ટ્રેનોનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. તેમાં 9 સ્પેશિયલ અને 3 નિયમિત ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ટ્રેનો દ્વારા અંદાજે 43,500થી 43,800 મુસાફરોની અવરજવરનું સંચાલન કરવામાં આવ્યું હતું. જયનગર, મધુબની, કાનપુર અને બ્રહ્મપુર જેવા ઉત્તર તથા પૂર્વ ભારતના મુખ્ય રૂટ પર મુસાફરોની ભારે ભીડ હોવા છતાં પ્લેટફોર્મ નંબર 6 સહિત અન્ય પ્લેટફોર્મ પર યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓની હાજરીમાં મુસાફરોને ક્રમબદ્ધ રીતે ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા.

Massive Festival Rush in Surat: 15 હજાર ચોરસ મીટરમાં ત્રણ વિશાળ સુવિધા કેન્દ્રો

ભીડને નિયંત્રિત કરવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ત્રણ વિશાળ યાત્રી સુવિધા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો આશરે 14થી 15 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલાં છે. પ્રથમ કેન્દ્ર આશરે 6,500 ચોરસ મીટરનું છે, જ્યારે બીજા અને ત્રીજા કેન્દ્રનું ક્ષેત્રફળ અનુક્રમે 2,500 અને 3,500 ચોરસ મીટર છે. અહીં મુસાફરો માટે પીવાનું પાણી, વીજળી, પંખા, શૌચાલય, વધારાની ટિકિટ બારીઓ અને CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેન્દ્રો બફર ઝોન તરીકે કામ કરે છે. મુસાફરોને પહેલાં અહીં બેસાડવામાં આવે છે અને ટ્રેન સ્ટેશન પર પહોંચ્યા બાદ લાઇન બનાવીને સીધા કોચ સુધી પહોંચાડવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે પ્લેટફોર્મ પર ધક્કામુક્કી અને અફરાતફરીની સ્થિતિ ઊભી થતી અટકાવવામાં મદદ મળી છે.

Massive Festival Rush in Surat: મુસાફરોએ પણ રેલવેની વ્યવસ્થાને બિરદાવી

Massive Festival Rush in Surat

બિહાર જઈ રહેલા મુસાફર મુન્ના કુમાર સિંહે જણાવ્યું હતું કે જયનગર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય મુસાફરો માટે રાહતરૂપ સાબિત થયો છે. મોટી સંખ્યામાં લોકો વતન જઈ રહ્યા હોવા છતાં રેલવે પ્રશાસન દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોને ધક્કામુક્કી વિના લાઇનમાં ઊભા રાખીને ટ્રેનમાં બેસાડવામાં આવે છે. બીજી તરફ, અંત્યોદય એક્સપ્રેસમાં પરિવાર સાથે મુસાફરી કરી રહેલાં મહિલા મુસાફર નીલમ દેવીએ જણાવ્યું હતું કે તેમને થોડો સમય લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું, પરંતુ વેટિંગ એરિયામાં પંખા અને પાણીની સારી વ્યવસ્થા હતી. પ્રશાસનની હાજરીને કારણે કોઈ નાસભાગ જેવો માહોલ સર્જાયો નહોતો અને પરિવાર સાથે આરામથી ટ્રેનમાં બેસવાની જગ્યા મળી હતી. દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ચાલુ રાખવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લીક કરો: બોલિવૂડની દિવાળી બની હતી યાદગાર, અમિતાભના હાથમાં ફૂટ્યો હતો બોમ્બ, માધુરીના વાળ બળ્યા, શાહરુખે જેકેટથી બચાવ્યો જીવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments