Nepal Helicopter Collision: નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર થતાં એક ભારતીય પ્રવાસીનું મોત થયું છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ભારતીય મૂળના નાગરિક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સોલુખુમ્બુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર સવારે 8:11 વાગ્યે થયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, ફિશટેલ એર અને એર ડાયનેસ્ટીનાં હેલિકોપ્ટર એક જ સ્થળે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે બંનેનાં રોટર બ્લેડ એકબીજા સાથે અથડાયાં હતાં. અથડામણ બાદ હેલિકોપ્ટરનો કાટમાળ નજીકમાં પડતાં અફરાતફરી મચી ગઈ હતી.
Nepal Helicopter Collision: ભારતીય પ્રવાસીનું મોત, ન્યૂઝીલેન્ડના નાગરિકને ઈજા

સોલુખુમ્બુ જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, ફિશટેલ એરનાં હેલિકોપ્ટરમાં સવાર ભારતીય પ્રવાસી વસંત કુમાર બાલારામારામાડુનું મોત થયું છે. જ્યારે ન્યૂઝીલેન્ડના ભારતીય મૂળના નાગરિક શૈલેષ કૃષ્ણ પટેલ ઘાયલ થયા છે. ઘાયલ શૈલેષને રેસ્ક્યૂ કરીને પ્રભુ હેલિકોપ્ટરની મદદથી કાઠમંડુની મેડિસિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને હેલિકોપ્ટરના પાયલટને પણ ઈજા થતાં સારવાર માટે કાઠમંડુ લઈ જવામાં આવ્યા છે. મૃતક પ્રવાસીનો મૃતદેહ લુકલા સ્થિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે.
Nepal Helicopter Collision: એક જ હેલિપેડ પર ઉતરવાનો પ્રયાસ બન્યો અકસ્માતનું કારણ

પ્રાથમિક માહિતી અનુસાર, એક હેલિકોપ્ટર લુકલાથી આવી રહ્યું હતું, જ્યારે બીજું એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક ગોરક્ષેપ તરફથી પરત ફરી રહ્યું હતું. બંને અલગ-અલગ દિશામાંથી એક જ હેલિપેડ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. હેલિપેડ પર બરફ જામી ગયો હોવાની શક્યતા પણ અકસ્માત સાથે જોડવામાં આવી રહી છે, જોકે દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ અકસ્માત ખુમ્બુ પાસાંગ લ્હામુ ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર-4માં થયો હતો.
Nepal Helicopter Collision: 14,340 ફૂટની ઊંચાઈએ આવેલું છે ફેરીચે હેલિપેડ

ફેરીચે હેલિપેડ સમુદ્ર સપાટીથી આશરે 4,371 મીટર એટલે કે 14,340 ફૂટની ઊંચાઈએ આવેલું છે. એવરેસ્ટ વિસ્તારમાં પર્વતારોહકો અને ટ્રેકિંગ માટે આવતા પ્રવાસીઓ માટે આ હેલિપેડ મહત્ત્વનું કેન્દ્ર છે. ઊંચાઈના કારણે તબિયત બગડવા, શ્વાસ લેવામાં તકલીફ થવા અથવા અકસ્માતમાં ઈજા થવાના કિસ્સામાં પ્રવાસીઓને અહીંથી હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે.

Nepal Helicopter Collision: ઉત્તરાખંડમાં પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં 6નાં મોત

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથથી દેહરાદૂન પરત ફરી રહેલું ટ્રાન્સ ભારત એવિએશનનું હેલિકોપ્ટર જોશીમઠ નજીક ચાઈ ગામ પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ સહિત છ લોકોનાં મોત થયાં હતાં. હેલિકોપ્ટરમાં સવાર પાંચેય મુસાફરો કર્ણાટકના રહેવાસી હતા. આ દુર્ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી: DGP ઓફિસ સહિત કલેક્ટર કચેરી અને મંદિરને નિશાન બનાવવાની ચેતવણી, રાજ્યભરમાં પોલીસ એલર્ટ

